ભારતની કોનેરુ હમ્પીએ બીજીવાર વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો તાજ હાંસલ કરીને રેકોર્ડ સર્જ્યો હતો. રવિવારે (29 ડિસેમ્બર) તેણે ઈન્ડોનેશિયાની ઈરીન સુકંદરને હરાવી હતી. હમ્પીએ 2019માં જ્યોર્જિયામાં આ ખિતાબ જીત્યો હતો.
ભારતની આ મોખરાની મહિલા ચેસ ખેલાડી ચીનની જૂ વેનજુન પછી વધુ એકથી વધુ વખત આ ખિતાબ જીતનારી વિશ્વની બીજી ખેલાડી બની છે. 37 વર્ષની હમ્પીએ 11માંથી 8.5 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટ પૂર્ણ કરી ટાઈટલ પોતાના નામે કર્યું હતું. રશિયાનો 18 વર્ષનો વોલોદર મુર્જિન પુરૂષ વર્ગમાં ચેમ્પિયન બન્યો હતો.
ભારતીય ચેસ ખેલાડીઓ માટે 2024નું વર્ષ સારું રહ્યું હતું. સિંગાપોરમાં ક્લાસિકલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ડી ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવી ચેમ્પિયન બન્યો હતો. હમ્પીએ રેપિડ વર્લ્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ખિતાબ જીત્યો હતો. હમ્પી 2019માં જ્યોર્જિયાના બટુમીમાં ચેમ્પિયનશીપ જીતી સફળતાના શિખરે પહોંચી હતી. હમ્પીએ 2023માં પણ ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એ ઉપરાંત તેણે 2022માં મહિલા વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં અને 2024ની શરૂઆતમાં મહિલા કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.