સમગ્ર યુરોપના સૌ પ્રથમ પર્પઝબિલ્ટ હિન્દુ ક્રિમેટોરિયમના નિર્માણ વિષે માહિતી આપવા અને હિન્દુઓમાં એકતાની સ્થાપના કરવા માટે એક કાર્યક્રમનું આયોજન અનુપમ મિશનના પ્રણેતા પ. પૂ. જશભાઇ સાહેબજીની ઉપસ્થિતીમાં અનુપમ મિશન ડેન્હામ ખાતે રવિવાર તા. 20 ઓક્ટોબર 2024ના રોજ સવારે 11 કલાકે કરવામાં આવ્યું છે.

અનુપમ મિશનની આંતરરાષ્ટ્રીય સમિતિના પ્રમુખ સતિષભાઇ ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’આ પ્રસંગે પ. પૂ. સાહેબજી દ્વારા હિન્દુ સમુદાયને એકબીજાની નજીક લાવવાની શક્તિ ધરાવતા ઓમ હિન્દુ સ્મશાન પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવશે. પૂજ્ય સાહેબજીની દિવ્ય હાજરી, પ્રેમાળ માર્ગદર્શન અને અથાક સેવા તથા દાતાઓના ઉદાર સહકાર સાથે આ પ્રોજક્ટનું નિર્માણ થઇ રહ્યું છે. આજના ગતિશીલ અને બહુસાંસ્કૃતિક બ્રિટનમાં હિન્દુ સમુદાય તેની સુંદર વિવિધતા દ્વારા ચમકી રહ્યો છે ત્યારે સાહેબજીએ તેમની નિઃસ્વાર્થ સેવા દ્વારા હાથમાં લીધેલો આ પ્રોજેક્ટ સમગ્ર યુકેના હિંદુઓ માટે આશા અને એકતાનું કિરણ છે.’’

શ્રી ચતવાણીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’ઘણાં વર્ષોથી સૌ યુકેમાં વસતા હિન્દુઓ એક થાય તે વિષે આપણે ચર્ચાઓ કરીએ છીએ. આ પ્રસંગે હિંદુ એકતાની સ્થાપના કરવા, આપણા સહિયારા મૂલ્યોની ઉજવણી કરવા અને આપણી વિવિધતાને સન્માન આપી બંધનોને મજબૂત કરવા તથા પોલીસી વિષયક વિચારશીલ વાર્તાલાપ કરવામાં આવશે. જે અર્થપૂર્ણ નીતિઓ ઘડી સમાજને વધુ સુમેળભર્યા અને સંયુક્ત ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવામાં મદદ કરશે.’’

LEAVE A REPLY