જાણીતા ફિલ્મકાર અનુરાગ કશ્યપે બોલીવૂડની વર્તમાન સ્થિતિ પર પોતાની નારાજગી વ્યક્ત કરીને હવે મુંબઈ છોડીને સાઉથ ઇન્ડિયામાં કામ કરવાનું મન બનાવ્યું છે. કહેવાય છે કે, પોતાની સર્જનાત્મકતા જાળવવા માટે સાઉથમાં સ્થાયી થવા ઇચ્છે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે હિન્દી ફિલ્મોની સીક્વલ, લાભ મેળવવાના અને સ્ટાર બનાવવાની માનસિકતા વિશે વાત કરી હતી. તે કહે છે કે, આવી બાબતો સર્જનાત્મકતા અને નવા દૃષ્ટિકોણને સ્વીકારતા નથી.
અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, “મારા માટે હવે બહાર જઇને પ્રયોગ કરવાનું અઘરું થઈ ગયું છે કારણ કે એની એક કિંમત છે અને તેનાથી પ્રોડ્યુસર્સ નફા અને ફાયદા અંગે વિચારતા થઈ જાય છે. ફિલ્મ શરૂ થાય એ પહેલાં, તેને કઈ રીતે વેચીશું એ વાત મહત્વની થઈ જાય છે. તેથી ફિલ્મ બનાવવાની મજા જતી રહે છે. એટલે જ આવતા વર્ષે મારે મુંબઈથી બહાર જતાં રહેવું છે. હું સાઉથ ઇન્ડિયામાં સ્થાયી થઇશ. જ્યાં કામની આઝાદી હોય ત્યાં મારે જવું છે. નહીં તો હું વૃદ્ધ થઈને મૃત્યુ પામીશ. હું મારી પોતાની ઇન્ડસ્ટ્રીથી નિરાશ અને અકળાયો છું. હું લોકોની માનસિકતાથી કંટાળી ગયો છું.”
અનુરાગ કશ્યપે વધુમાં એવું પણ કહ્યું હતું કે, “બોલીવૂડમાં કોઈ મંજૂમલ બોય્ઝ જેવી ફિલ્મ ક્યારેય નહીં બનાવે. તેના બદલે બોલીવૂડ તેની રિમેક બનાવશે. માનસિકતા જ એવી છે, જે પહેલાંથી બનેલું છે એની રિમેક બનાવો. એમને કંઇ નવું કરવું જ નથી. આ પહેલાની જનરેશનના કલાકારો અને જેમની પાસે બધું જ છે એવા લોકો સાથે કામ કરવું અઘરું છે. કોઈને અભિનય કરવો નથી, બધાને બસ સ્ટાર બનવું છે. મલયાલમ સિનેમામાં આવું થતું નથી.” અનુરાગ કશ્યપે મલયાલમ ફિલ્મ રાઇફલ ક્લબમાં કામ કર્યું હતું, જે ગત મહિને રિલીઝ થઈ હતી.