(PTI Photo/Shahbaz Khan)

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે વિદેશી મૂડી પ્રવાહને આકર્ષવા માટે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 35 ટકા કરવાની જાહેરાત કરી હતી. બજેટ 2024-25માં વિદેશી કંપનીઓની આવક પર વસૂલવાપાત્ર આવક-વેરાના દરને 40 ટકાથી ઘટાડી 35 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં વિશ્વભરની અગ્રણી વિદેશી કંપનીઓ તેમની સપ્લાય ચેઇનના ડાઇવર્સિફાઇ કરવા માટે ‘ચાઇના પ્લસ વન વ્યૂહરચના’ અપનાવી રહી છે અને તેમની ઉત્પાદન બેઝને ચીન સિવાયના દેશોમાં શિફ્ટ કરી રહી છે, તેથી વિદેશી કંપનીઓ માટેના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની આ જાહેરાતનું વિશેષ મહત્ત્વ છે.

નાણાપ્રધાને બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે “આપણી વિકાસની જરૂરિયાતો માટે વિદેશી મૂડીને આકર્ષવા માટે હું વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર 40 ટકાથી ઘટાડી 35 ટકા કરવાની દરખાસ્ત કરું છું.”

ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર રોહિન્ટન સિધવાએ જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ માટે ટેક્સ રેટ 40 ટકાથી ઘટાડીને 35 ટકા અને 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી નાબૂદ કરવું એ એક આશ્ચર્યજનક પગલું છે. તેથી ભારતમાં વિદેશી નાણા પ્રવાહ વધી શકે છે.

ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો છતાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને નિકાસમાં વધારો કરવા માટે બેઇજિંગમાંથી સીધુ વિદેશી રોકાણ (FDI)ને પ્રોત્સાહન આપવાની આર્થિક સરવેમાં પણ જોરદાર હિમાયત કરવામાં આવી હતી. સરવેમાં જણાવ્યા અનુસાર ‘ચાઇના પ્લસ વન વ્યૂહરચના’થી લાભ મેળવવા માટે ભારત પાસે બે વિકલ્પો છે. તેમાં ચીનની સપ્લાય ચેઇન સાથે સંકલન અથવા ચીનમાંથી એફડીઆઈને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. આ વિકલ્પોમાં યુ.એસ.માં ભારતની નિકાસને વધારવા માટે ચીનમાંથી FDI પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ આશાસ્પદ લાગે છે. ભૂતકાળમાં પૂર્વ એશિયનના દેશોએ આવું કર્યું હતું. તદુપરાંત ચાઇના પ્લસ વન વ્યૂહરચના’નો લાભ મેળવવાની વ્યૂહરચના તરીકે એફડીઆઈને પસંદ કરવું એ વેપાર પર આધાર રાખવા કરતાં વધુ ફાયદાકારક લાગે છે. તેનું કારણ એ છે કે ભારત ચીનમાંથી મોટાપાયે આયાત કરે છે અને ચીન સાથેની વેપાર ખાધ વધી રહી છે. ચીનમાંથી સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં વધારાથી ભારતની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભાગીદારી વધારવામાં અને નિકાસને વધારવામાં મદદ કરી શકે છે.

 

 

 

LEAVE A REPLY