ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી માટે યુએન હેડક્વાર્ટરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ન્યૂયોર્ક સિટી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે ન્યૂયોર્ક શહેરમાં દર વર્ષે 14 એપ્રિલે ડૉ. બી આર આંબેડકર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે(@RamdasAthawale on X via PTI Photo)

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે દર વર્ષે 14 એપ્રિલે ડૉ. બી આર આંબેડકર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી માટે યુએન હેડક્વાર્ટરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ન્યૂયોર્ક સિટી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે આ જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યપ્રધાન ડૉ. રામદાસ આઠવલે હાજર હતાં. આઠવલેએ ફોટા અને વીડિયો સાથે X પર પોસ્ટ કરી હતી કે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. ન્યૂયોર્ક સિટી ઓફિસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરી છે. બાબા સાહેબના ન્યાય અને સમાનતાના વૈશ્વિક વારસાને સન્માનિત કરવા બદલ મેયર અને ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણનો હૃદયપૂર્વક આભાર.

14 એપ્રિલ, 1891ના રોજ જન્મેલા ડૉ. ભીમ રાવ આંબેડકર બાબાસાહેબ તરીકે ઓળખાય છે. તેઓ બંધારણ સભાની સૌથી મહત્વપૂર્ણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતાં, જેના કારણે તેમને ભારતીય બંધારણના શિલ્પીનું ઉપનામ મળ્યું છે. તેઓ સ્વતંત્રતા પછીના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પ્રથમ પ્રધાનમંડળમાં કાયદા અને ન્યાય પ્રધાન હતાં.
ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઇઝનના પ્રમુખ દિલીપ મ્હસ્કેએ જણાવ્યું હતું કે સમાનતા અને નાગરિક અધિકારો હિમાયતી બાબા સાહેબનું આ મોટું બહુમાન છે. આ જાહેરાતથી ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે લોકશાહી, ગૌરવ, મહિલા સશક્તિકરણ અને ન્યાયને આગળ વધારવામાં ડૉ. આંબેડકરના મહાન વારસાને સ્વીકૃતિ મળી છે.

LEAVE A REPLY