ICCRએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારતીય યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાં અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ સ્કીમ (A120l) (અગાઉનું નામ જનરલ સ્કોલરશીપ સ્કીમ) શિષ્યવૃત્તિના સ્લોટ્સની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓએ 30 એપ્રિલ 2025 સુધીમાં અરજી સુપરત કરવાની રહેશે. સંબંધિત યુનિવર્સિટીઓ 31 મે 2025 સુધીમાં એડમિશન અંગે જાણ કરશે. વિદેશ સ્થિત ઇન્ડિયન મિશન 15 જૂન 2025 સુધીમાં સ્કોલરશીપની ફાળવણી અને ઓફર લેટર્સ આપશે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રસ ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ICCRના A2A શિષ્યવૃત્તિ પોર્ટલ https://a2ascholarships.iccr.gov.in દ્વારા ઓનલાઇન કરી શકશે. આ પોર્ટલ 20મી ફેબ્રુઆરી 2025થી કાર્યરત બન્યું છે.
ICCRએ શિષ્યવૃત્તિ માટે યુનિવર્સિટીઓ/સંસ્થાઓની યાદીમાં ફેરફાર કર્યો છે. આ યાદી પોર્ટલ પર ઉપલબ્ધ છે. અરજદારો અભ્યાસની તેમની પસંદગીના ક્રમમાં 5 યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાં અરજી કરી શકશે. શક્ય હોય ત્યાં સુધી અરજદારની પસંદગી મુજબ એડમિશન મળશે, પરંતુ મર્યાદિત બેઠકોને કારણે વિદ્યાર્થીઓને તેમની પસંદગી સંસ્થામાં એડમિશન ન પણ મળશે.
તમામ યોજનાઓની માર્ગદર્શિકા પોર્ટલ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરતા પહેલા ઓફર કરેલા અભ્યાસક્રમો, પાત્રતાના માપદંડો અને સામાન્ય માહિતી વિશે જાણવા માટે સંબંધિત યુનિવર્સિટી/સંસ્થાની વેબસાઇટની નિયમિત મુલાકાત લેવી જોઇએ.
વોશિંગ્ટન સ્થિતિ ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ BE/B. ટેક અભ્યાસક્રમો માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત (PCM) 11 અને 12 ગ્રેડમાં ફરજિયાત છે અને તે એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે પણ ફરજિયાત છે. અરજદારે લેવલ 10 અને 10+2 સમકક્ષની માર્કશીટ અંગ્રેજીમાં ટ્રાન્સક્રિપ્ટ સાથે અપલોડ કરવાની રહેશે.
મૂળ દસ્તાવેજો અંગ્રેજીમાં ન હોય તેવા દસ્તાવેજોના અંગ્રેજી અનુવાદ વિના અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એ પણ નોંધવું જોઇએ કે યુનિવર્સિટીઓ દ્વારા અધૂરી અરજીને ટૂંકમાં નકારી શકાય છે.
