આ વર્ષે કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કેન્દ્ર સરકારે શનિવારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) નામની નવી પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી. 25 વર્ષની નોકરી પછી બેઝિક પગારના 50 લાખ લેખે ખાતરીપૂર્વકનું પેન્શન આપતી આ સ્કીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે મંજૂરી આપી હતી, જેનો આશરે 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે. નવી સ્કીમમાં ઓછામાં ઓછી દસ વર્ષની નોકરીના કિસ્સામાં માસિક રૂ.10,000નું પેન્શન મળશે.
કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતાં માહિતી-પ્રસારણ અને રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારોને યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. જો રાજ્ય સરકારો યુપીએસને પસંદ કરશે, તો લાભાર્થીઓ કર્મચારીઓની સંખ્યા વધી લગભગ 90 લાખ થશે. સરકારના જણાવ્યા અનુસાર એરિયરન્સ માટે સરકારને રૂ.800 કરોડનો ખર્ચ થશે. પ્રથમ વર્ષમાં વાર્ષિક ખર્ચમાં આશરે રૂ.6,250 કરોડનો વધારો થશે.
નવી યોજના પહેલી એપ્રિલ, 2025થી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ અપાશે. હાલના કેન્દ્ર સરકારના NPS સબસ્ક્રાઇબર્સને પણ UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ અપાશે. મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓને NPSની જગ્યાએ UPSથી વધુ ફાયદો થશે તેવો સરકારે દાવો કર્યો હતો.