ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર એનીલીસ ડોડ્સે વડા પ્રધાન કેર સ્ટાર્મરના સંરક્ષણ ખર્ચમાં વધારો કરવા માટે વિદેશી સહાય બજેટમાં ઘટાડો કરવાના નિર્ણય બદલ તા. 28ના રોજ રાજીનામું આપ્યું હતું.
સ્ટાર્મરે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અને વેપાર કરાર અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કરતા હતા તેના એક દિવસ બાદ ડોડ્સે રાજીનામુ આપ્યું હતું. બ્રિટન યુરોપની સુરક્ષાને વધારવા માટે બલિદાન આપવા તૈયાર છે એવા સ્ટાર્મરના નિવેદન બાદ વિદેશી વિકાસ બજેટને GDP ના 0.5 ટકાથી ઘટાડીને 0.3 ટકા કરવાની જાહેરાત કરાઇ હતી. ડોડ્સે રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે ‘’આ કપાતની ઊંડાઈને કારણે બ્રિટનની વિકાસ પ્રાથમિકતાઓ જાળવી રાખવી અશક્ય બનશે, જેમાં યુદ્ધગ્રસ્ત ગાઝા, સુદાન અને યુક્રેનનો સમાવેશ થાય છે. આ કાપ ભયાવહ લોકો પાસેથી ખોરાક અને આરોગ્યસંભાળ દૂર કરશે અને યુકેની પ્રતિષ્ઠાને ઊંડે સુધી નુકસાન પહોંચાડશે.”
OECD ડેટા અનુસાર, બ્રિટન પાંચમા ક્રમે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સહાય દાતા છે અને 2023માં $19 બિલિયનથી વધુનું યોગદાન આપ્યું છે. આ રેન્કિંગમાં અમેરિકા ટોચ પર છે, ત્યારબાદ જર્મની, યુરોપિયન યુનિયન સંસ્થાઓ અને જાપાનનો ક્રમ આવે છે.
46 વર્ષીય ડોડ્સે પાંચ વર્ષ પહેલાં લેબર પાર્ટીના નેતા તરીકે નિયુક્ત થયા ત્યારથી સ્ટારમર સાથે નજીકથી કામ કર્યું હતું.
