કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ એક દાયકાના શાસન પછી રાજીનામું આપ્યા પછી તેમના અનુગામી માટેની રેસ ચાલુ થઈ છે. આ રેસમાં ભારત મૂળના અનિતા આનંદને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અનિતા આનંદ ઉપરાંત પીયર પોઈલીવરે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, માર્ક કાર્ને પણ ટોચના પદ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભર્યા છે.
અનિતા આનંદ પ્રભાવશાળી વહીવટી અને જાહેર સેવાની પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ 57 વર્ષીય વકીલ 2019માં રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી લિબરલ પાર્ટીના સૌથી મહત્વાકાંક્ષી સભ્ય પૈકીના એક રહ્યાં છે.
બીબીસીએ ભારતીય મૂળના નેતા અનિતા આનંદને ટોચના 5 દાવેદારોમાં સ્થાન આપ્યું છે, જેઓ ટ્રુડોનું સ્થાન લઈ શકે છે. અનિતા આનંદ હાલમાં પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પણ છે. 2019માં ટોરોન્ટોના ઉપનગર ઓકવિલેથી ચૂંટણી લડીને તેઓ રાજકારણમાં આવ્યા હતાં અને હાલમાં પાર્ટીના એક મુખ્ય ચહેરો છે.
તેઓ ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં બેચલર ઓફ આર્ટસ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં બેચલર ઓફ આર્ટસ, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી કાયદામાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે.
આનંદે ક્વીન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક હોદ્દાઓ પણ સંભાળ્યા છે અને રાજકારણમાં પ્રવેશતા પહેલા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કાયદાના પ્રોફેસર હતાં.
આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેના માતા-પિતા (માતા સરોજ ડી. રામ) અને (પિતા એસ.વી. (એન્ડી) આનંદ) બંને ભારતીય ફિશિયન હતાં. તેમને ગીતા અને સોનિયા આનંદ એમ બે બહેનો છે.
ટ્રુડોએ સોમવાર, 6 જાન્યુઆરીએ વડાપ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી, પરંતુ પાર્ટીમાં નવા નેતાની પસંદગી ન ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર રહેશે. લિબરલ પાર્ટીને નવા નેતાની પસંદગી કરે ત્યા સુધી એટલે કે 24 માર્ચ સુધી સંસદ સ્થગિત કરાઈ છે. આ સમયગાળા દરમિયાન, પાર્ટીમાં નેતૃત્વની સ્પર્ધા થશે.