મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી પર સામાન્ય હેતુની કોર્પોરેટ લોન (જીપીસીએલ) મંજૂર કરતી વખતે નિયમોનું પાલન ન કરવા બદલ રૂ.1 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ આ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાઇનાન્સના કેસમા કરાઈ હતી.
સેબીએ આ કેસમાં કંપનીના ચીફ રિસ્ક ઓફિસર કૃષ્ણન ગોપાલકૃષ્ણનને રૂ.15 લાખનો દંડ કર્યો હતો. સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે બંનેએ 45 દિવસમાં દંડની રકમ જમા કરવી પડશે. અનમોલ અંબાણી અને કૃષ્ણન ગોપાલક્રિષ્નન બંનેએ સેબીના લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ (LODR) નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું.
અગાઉ રિલાયન્સ હોમ ફાઈનાન્સના ભંડોળના દુરુપયોગને લગતા કેસમાં સેબીએ ઓગસ્ટમાં અનિલ અંબાણી અને અન્ય 24 લોકોને સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતાં. સોમવારે તેના આદેશમાં સેબીએ કહ્યું હતું કે અનમોલ અંબાણીએ સામાન્ય હેતુની કોર્પોરેટ લોન અથવા GPCL લોનને મંજૂરી આપી હતી. તે પણ જ્યારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્પષ્ટ સૂચના આપી હતી કે આવી લોન મંજૂર કરવામાં આવશે નહીં.