એર ઇન્ડિયાએ તેની વેબસાઇટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત બુકિંગ સર્વિસનો પ્રારંભ કર્યો છે. આ ફિચરથી ગ્રાહકો AI એજન્ટ સાથે વાતચીત કરીને ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. eZ બુકિંગ સુવિધા હાલમાં એરલાઇનના લોયલ્ટી પ્રોગ્રામ મહારાજા ક્લબના સભ્યો માટે ઉપલબ્ધ છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે એરલાઇન ગ્રાહકો માટે ડિજિટલ ચેનલો પર તેમની ટિકિટ રિઝર્વેશન માટે ટ્રાવેલ વિગતો એન્ટર કરવી પડે છે અને ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદગી કરવી પડે. આ ઉપરાંત ટ્રાવેલર્સની વિગતો ભરવી પડે છે. આ પછી પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકે છે. પરંતુ eZ બુકિંગનો હેતુ વેબસાઈટ પર મલ્ટી-સ્ટેપ નેવિગેશનને દૂર કરીને પ્રક્રિયાને ઓછા ક્લિક્સ અને પેજીસ સુધી સીમિત કરવાનો છે.
એર ઈન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેકનોલોજી ઓફિસર ડૉ. સત્ય રામાસ્વામીએ જણાવ્યું હતું કે અમે શરૂઆતમાં અમારા લોયલ્ટી પ્રોગ્રામ સભ્યો માટે અમારી વેબસાઇટ પર eZ બુકિંગ રજૂ કર્યું છે. આ એક ઉદ્યોગ-અગ્રણી પહેલ છે અને અમે અમારા તમામ ડિજિટલ ફૂટપ્રિન્ટમાં ઉભરતી ‘એજેન્ટિક AI’ ક્ષમતાઓને ઉપયોગ માટે પ્રારંભિક પગલાં લઈ રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે અમારા મુસાફરોને eZ બુકિંગ માટે સરળતા, ઝડપ અને અને સગવડનો લાભ મળશે.