અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.1નો ઘટાડો કર્યો હતો. જોકે આ ભાવઘટાડો માત્ર એક લીટરના પેકમાં છે.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમે સમગ્ર ભારતમાં એક લિટર પેકના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1નો ઘટાડો કર્યો છે. ગ્રાહકોને દૂધના મોટા પેક ખરીદવા માટે પ્રોત્સાહન આપવા આ નિર્ણય કરાયો છે.
દિલ્હીમાં અમૂલ ગોલ્ડ મિલ્કનો ભાવ 68 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 67 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે અમૂલ તાઝાનો ભાવ હવે 56 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 55 રૂપિયા થશે.2023-24ના નાણાકીય વર્ષમાં GCMMFનું ટર્નઓવર 8 ટકા વધી રૂ.59,445 કરોડ થયું છે.GCMMFએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ 310 લાખ લિટર દૂધ પ્રતિદિનનું સંચાલન કર્યું હતું. તેની કુલ વાર્ષિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા લગભગ 500 લાખ લિટર છે. GCMMF વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી છે. તે દરરોજ 300 લાખ લિટર દૂધની ખરીદી કરે છે.
