કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે મણિપુરની સુરક્ષાની સ્થિતિ અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને સુરક્ષા દળોને આઠ માર્ચથી મણિપુરના તમામ માર્ગો પર લોકોની મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાનો તથા અવરોધો ઉભા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
મે 2023માં મૈતૈઇ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા પછી મૈતેઇ સમુદાયનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં કુકી સમુદાયના લોકો મુસાફરી કરી શકતા નથી. બીજી તરફ કુકી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં મૈતૈઇ લોકો જઈ શકતા નથી. કુકીઓ રાજ્યની બહાર જવા માટે મોટાભાગે મિઝોરમમાં મુસાફરી કરે છે, જ્યારે મૈતૈઇ સમુદાયના લોકો કુકીઓનું પ્રભુત્વ ધરાવતી પહાડીઓ પર જતા નથી.
રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ગેરકાયદેસર અને લૂંટેલા હથિયારો રાખનારાઓ લોકોને સુરક્ષા ચોકીઓમાં હથિયારો જમા કરવાનો આદેશ આપ્યાના 10 દિવસ પછી કેન્દ્રે વિશ્વાસ ઘડતરના પગલાં લીધા હતી.
સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યમાં સ્થાયી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે તમામ જરૂરી સહાય પાડશે. મણિપુરને ડ્રગ-મુક્ત બનાવવા માટે, ડ્રગના વેપાર સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્કને તોડી પાડવું જોઈએ. ગૃહમંત્રીએ 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર લોકોની મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાનો તથા રોડ પર અવરોધ ઊભા કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેમણે મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદ પર નિર્ધારિત એન્ટ્રી પોઈન્ટની બંને બાજુએ ફેન્સીંગનું કામ વહેલામાં વહેલી તકે પૂરુ કરવાની પણ તાકીદ કરી હતી.
બીજી તરફ કુકી-ઝો આદિવાસી સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે મણિપુરમાં કટોકટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ રાજ્યમાં પરત જઈ શકશે નહીં. પ્રદર્શનકારીઓએ મણિપુરમાં પ્રવર્તતી સ્થિતિ માટે પૂર્વ મુખ્યમંત્રી બિરેન સિંહને જવાબદાર ગણાવ્યાં હતાં.
