ભારતના 25 ટકાથી વધુ લોકો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે પસંદ કરી રહ્યા છે તાજેતરમાં જ યોજાયેલા આ અંગેના એક સરવે માં 25 ટકાથી વધુ લોકોએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પછી સીએમ યોગી આદિત્યનાથને 19 ટકા મત મળ્યા હતા. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી 13 ટકા મત મેળવીને ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ બંનેને લગભગ 5 ટકા મત મળ્યા છે.
છેલ્લા બે સરવેમાં 28 ટકા અને 29 ટકા લોકોએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. દક્ષિણ ભારતમાં 31 ટકાથી વધુ લોકો પણ માનવું છે કે, અમિત શાહ આગામી પીએમ પદ તરીકે સારા ઉમેદવાર બની શકે છે.
દક્ષિણ ભારતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું 31 ટકા એપ્રુવલ રેટિંગ તમામ પ્રદેશોમાં સૌથી વધુ છે. જ્યારે સમગ્ર દેશમાં 25 ટકા સમર્થન છે. અમિત શાહની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સમર્થન આપતા લોકોની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. યોગી આદિત્યનાથનું સમર્થન ઓગસ્ટ 2023માં 25 ટકાથી ઘટીને ફેબ્રુઆરી 2024માં 24 ટકા થયું હતું. હવે 19 ટકા લોકોએ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે. લગભગ 13 ટકા લોકોએ નીતિન ગડકરીને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કર્યા હતા.
આ સરવે 15મી જુલાઈથી 10મી ઓગસ્ટ, 2024ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 1,36,436 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા.સરવે દેશભરમાં 543 લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જનતાના વિચાર અને અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.