દક્ષિણ એશિયામાં ચીનના વધતા જતાં પ્રભાવ વચ્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ડિફેન્સ, એનર્જી સહિત કુલ સાત કરાર પર હસ્તાક્ષર થયા હતા. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે.
વડાપ્રધાન મોદી અને શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચેની વાતચીત પછી બંને દેશો કુલ સાત કરાર થયા હતાં. તેમાં ત્રિપક્ષીય માળખા હેઠળ ત્રિંકોમાલીને એનર્જી હબ તરીકે વિકસાવવાનો તથા પાવર ગ્રીડ કનેક્ટિવિટી પરના કરારનો સમાવેશ થાય છે. ત્રિંકોમાલી એનર્જી હબ પ્રોજેક્ટસમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત સંયુક્ત આરબ અમિરાત પણ સામેલ થશે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી દિલ્હી હંમેશા શ્રીલંકાને સમર્થન આપશે. બીજી તરફ દિસાનાયકે જણાવ્યું હતું કે શ્રીલંકા તેના પ્રદેશનો ઉપયોગ ભારત તેમજ પ્રદેશના સુરક્ષા હિતો સામે જોખમ ઊભું થાય તે રીતે કરવા દેશે નહીં.
માછીમારોના જટિલ મુદ્દાને માનવીય અભિગમ સાથે ઉકેલવાની માટે હિમાયત કરતાં મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કોલંબો તમિલ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે અને પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ યોજશે.
શ્રીલંકાને આપવામાં આવેલી લોનના વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતાં મોદીએ જણાવ્યું છે કે શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે છેલ્લાં છ મહિનામાં 10 કરોડ ડોલરની લોનને ગ્રાન્ટમાં તબદિલ કરી છે. સાત કરારો ઉપરાંત, ભારતે કોલંબો માટે આર્થિક સહાયના ભાગ રૂપે દેવા પુનર્ગઠન કરાર પણ કર્યો છે. તેનાથી શ્રીલંકાના લોકોને તાત્કાલિક સહાય અને રાહત મળશે.
મોદીએ શ્રીલંકાના પૂર્વીય પ્રાંતોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આશરે 2.4 અબજ શ્રીલંકન રૂપિયાના સહાય પેકેજની પણ જાહેરાત કરી હતી.
શ્રીલંકાએ પણ મોદીની મુલાકાતને વિશેષ મહત્ત્વ આપીને ભારતીય વડાપ્રધાનનું ઐતિહાસિક સ્વતંત્રતા સ્ક્વેર પર જોરદાર સ્વાગત કર્યું હતુ અને તેમને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મિત્ર વિભૂષણ એનાયત કર્યો હતો.
મોદી-દિસાનાયકે વચ્ચેની વાટાઘાટોમાં 10થી સમજૂતી થઈ હતી. તેમાં સંરક્ષણ સહયોગ કરાર સૌથી મહત્ત્વનો હતો. ભારતે આશરે 35 વર્ષ પહેલાં ટાપુ રાષ્ટ્રમાં ભારતીય શાંતિ સેના મોકલ્યા પછી બંને વચ્ચેના સંબંધો કથળ્યા હતા. જોકે હવે તેમાં મોટા સુધારાનો સંકેત મળ્યો છે.
