
ગેરકાયદે વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાના અભિયાનમાં અમેરિકાની આક્રમકતાએ ક્રૂરતાનું સ્વરૂપ લીધું હોવાથી ભારતમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ભારતીયોને દેશનિકાલ કરતી વખતે માનવીય વ્યવહાર રાખવાની ભારત સરકારની વિનંતીની ખાસ અસર અમેરિકન સરકાર પર થઈ ન હતી. અમેરિકાએ દેશનિકાલ કરેલા 116 ભારતીયો સાથેની બીજી ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પહોંચી હતી. આ ફ્લાઈટમાં બેસાડતી વખતે પુરુષોને પગમાં સાંકળો અને હાથમાં હાથકડી પહેરાવવામાં આવી હતી અને અમૃતસર એરપોર્ટ પહોંચવાના થોડા સમય પહેલા જ તેમને બંધનમુક્ત કરાયા હતા.
અમેરિકન મિલિટરીનું સી-17 એરક્રાફ્ટ શનિવારે રાત્રે 11.35ના અરસામાં અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. અત્યંત પીડાદાયક મુસાફરી બાદ આવેલા ભારતીયોને અમૃતસર પહોંચતા જ ભોજન અપાયુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બીજી બેચમાં મોટાભાગના લોકોની ઉંમર 18થી 30 વર્ષની હતી. બીજી બેચમાં આવેલા શીખો અમૃતસર એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમના માથે પાઘડી નહીં હોવાના વીડિયો વાઈરલ થયા હતા. બીજી બેચમાં આવેલા ભારતીયોએ લાખો
રૂપિયા ખર્ચીને અમેરિકાનું સપનું સેવ્યુ હતું, પરંતુ ટ્રાવેલ એજન્ટ્સની છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન ‘સારા મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીયોની વ્યથા અંગે વાત નહીં કરી હોવાનો ટોણો કોંગ્રેસે માર્યો હતો. કોંગ્રેસે જણાવ્યુ હતું કે, અમેરિકાથી ડીપોર્ટ કરાતા ભારતીયો સાથે અમાનવીય વ્યવહાર થાય છે. તેમને બેડીઓથી બાંધીને ભારત લવાય છે.
