અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોને સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી બસમાં રવાના કરાયા હતા. (ANI ફોટો/રમિન્દર પાલ સિંહ)

ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લાં 10 દિવસમાં ત્રણ વિમાન ભરીને ભારતીયોનો દેશનિકાલ કર્યો હતો. દેશનિકાલનો પ્રથમ રાઉન્ડ 5 ફેબ્રુઆરીએ થયો હતો, જ્યારે યુએસ લશ્કરી વિમાને 104 ભારતીયોને અમૃતસર પહોંચાડ્યા હતાં. 116 ભારતીયોને લઈને બીજું વિમાન 16 ફેબ્રુઆરીએ લેન્ડ થયું હતું. આમ અમેરિકાએ કુલ ત્રણ વિમાનમાં 332 ભારતીયોનો દેશનિકાલ કર્યો હતો.

યુએસ એરફોર્સની ફ્લાઈટ C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ રાત્રે 10.03 વાગ્યે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અમેરિકાએ દેશનિકાલ કરેલા કુલ 112 ભારતીયોમાંથી પંજાબના 31, હરિયાણાના 44, ગુજરાતના 33, ઉત્તરપ્રદેશના બે તથા હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક હતાં. ગુજરાતના 33 લોકોનો અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યાં હતાં.

ઇમિગ્રેશન, વેરિફિકેશન અને બેકગ્રાઉન્ડ ચેંકિંગ સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ડિપોર્ટીઓને તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે આ લોકોને પોતા-પોતાના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.

દેશનિકાલના પ્રથમ રાઉન્ડ દરમિયાન, લોકોને ફ્લાઇટ દરમિયાન સાંકડથી બાંધવામાં આવ્યા હતાં અને ફક્ત ભારતમાં આગમન પર જ મુક્ત કરવામાં આવ્યા હતા. તેનાથી ભારતમાં રાજકીય તોફાન મચ્યું હતું. તે સમયના ચાલુ બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. શનિવારે પરત ફરેલા લોકોએ પણ આવો જ ખરાબ વ્યવહાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિરોધ પક્ષોની ટીકા વચ્ચે  વિદેશ પ્રધાન એસ જયશંકરે અગાઉ કહ્યું હતું કે દેશનિકાલ કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર યુએસ સાથે મંત્રણા કરી રહ્યું છે. ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અમેરિકા વર્ષોથી દેશનિકાલ કરે છે.

તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતા તેના નાગરિકને પરત લેશે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ માનવ તસ્કરીને સમાપ્ત કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.

 

 

LEAVE A REPLY