
અમેરિકાએ ભારતીયો સહિત ડિપોર્ટ કરેલા આશરે 300 ગેરકાયદે ઇમિગ્રન્ટને પનામાની એક હોટેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. પનામાના સત્તાવાળાઓ તેમને તેમના વતન મોકલવા માટે કામગીરી કરી રહ્યા છે. એસોસિએટેડ પ્રેસના રીપોર્ટ અનુસાર, દેશનિકાલ કરાયેલા લોકો મુખ્યત્વે ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના છે. પનામા આ દેશનિકાલ માટે મુખ્ય સ્ટોપઓવર બની ગયું છે
ન્યૂઝ નેટવર્ક પર ફરતા ઇમેજમાં દેખાય છે કે પનામા સિટીની ડેકાપોલિસ હોટેલની બારીમાંથી આ ઇમિગ્રન્ટ્સ “કૃપા કરીને અમને મદદ કરો” અને “અમે સુરક્ષિત નથી” તેવા પોસ્ટર દર્શાવી રહ્યાં છે.
અમેરિકાએ ડીપોર્ટ કરેલા ભારતીયો સરક્ષિત પનામા પહોંચી ગયા હોવાની માહિતી પનામાએ ગુરુવારે ભારત સરકારને આપી હતી. અમેરિકાએ ડીપોર્ટ કરેલા ભારતીયો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ત્રણ ફ્લાઈટમાં પનામા પહોંચ્યા હતાં.
પનામા, કોસ્ટા રિકા અને નિકાર ગુઆ ખાતે આવેલી ભારતીય દૂતાવાસની કચેરીએ એક્સ પ્લેટફોર્મ પર ગુરુવારે ડીપોર્ટ થયેલા ભારતીયો પનામા પહોંચ્યા હોવાની માહિતી આપી હતી, જો કે આ ભારતીયો અંગે વધુ માહિતી જાહેર કરાઈ ન હતી. પનામા ખાતે અમેરિકન સરકારે 299 ગેરકાયદે ઇમિગ્રન્ટને ડીપોર્ટ કરીને મોકલેલા છે. પનામાના પ્રમુખ જોસ રૌલ મુલિનોએ ડીપોર્ટ થયેલા લોકો માટે સેતુ રાષ્ટ્ર બનાવાની સંમતિ આપ્યા બાદ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ ફ્લાઈટ પનામા પહોંચી હતી.
ટ્રમ્પ અત્યાર સુધી ત્રણ વિમાનમાં કુલ 332 ભારતીયોનો સીધા ભારતમાં ડિપોર્ટ કર્યા છે અને હજુ વધુનો દેશનિકાલ કરે તેવી શક્યતા છે.
