અમેરિકામાં ગેરકાયદે રહેતાં આઠ ગુજરાતી સહિત વધુ 116 ભારતીયો સાથેનું અમેરિકાનું વધુ એક વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાએ દેશનિકાલ કરેલા આ ભારતીયોમાં 65 પંજાબના, 33 હરિયાણાના, આઠ ગુજરાતના હતાં. તેમાં ઉત્તરપ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એ ત્રણ રાજ્યોના બે-બે તથા હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના એક-એક નાગરિકનો સમાવેશ થતો હતો.
અમૃતસરથી આઠ ગુજરાતીઓને રવિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. આઠ ગુજરાતી ઇમિગ્રન્ટ્સને લઈને વિમાન સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેઓને પોલીસ વાહનોમાં તેમના વતન સ્થાને લઈ જવામાં આવ્યાં હતાં. તેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થતો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરેલા આઠ ગુજરાતીમાંથી ત્રણ ગાંધીનગરના અને એક અમદાવાદના રહેવાસી હતી.
અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકામાં ગેરકાયદે રહેતાં 104 ભારતીય નાગરિકો સાથેનું અમેરિકન મિલિટરીનું એક એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ પર આવ્યું હતું. દરમિયાનમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને આ મામલે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથેનું પ્લેન અમૃતસરમાં ઉતારવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, સરકારે અમૃતસરને દેશનિકાલનું કેન્દ્ર બનાવવાનું બંધ કરે.
