(ANI Photo/Surjeet Yadav)
ટી-20 વર્લ્ડ કપ 2024માં યજમાન અમેરિકાની ટીમે પહેલી જ વાર વર્લ્ડ કપમાં રમી રહી હોવા છતાં સુપર 8માં પહોંચી ઈતિહાસ સર્જ્યો હતો અને 2026ના ટી-20 વર્લ્ડ કપમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ગયા સપ્તાહે શુક્રવારે (14 જુન) વરસાદના કારણે ધોવાઈ જતાં અમેરિકા સુપર 8માં પહોંચ્યું હતું, તો પાકિસ્તાન કમનસીબે ગ્રુપ સ્ટેજમાં જ બહાર ફેંકાઈ ગયું હતું. ભારત, પાકિસ્તાન અને અમેરિકા એક જ ગ્રુપમાં હતા, જેમાં ભારત ગ્રુપમાં ટોચના અને અમેરિકા બીજા ક્રમે રહ્યું હતું, તો ભારત અને અમેરિકા, બન્ને સામી હારી ગયેલું પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું હતું.
હાલના ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજની તમામ મેચ હવે પૂર્ણ થવાના આરે છે, સોમવાર (17 જુન) ની સ્થિતિ મુજબ ફક્ત ગ્રુપ સીની કેટલીક મેચ બાકી છે, જે મંગળવારે પુરી થઈ જતાં હવે સુપર 8 તબક્કાની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. રવિવારે જ સુપર 8માં પહોંચેલી તમામ ટીમો તથા બહાર થઈ ગયેલી ટીમોનો ફેંસલો થઈ ચૂક્યો હતો.
એ મુજબ ભારત, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન સુપર 8માં સ્થાન પામ્યા છે, તો શ્રીલંકા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ બહાર થઈ ગયા છે.
ગયા સપ્તાહે (સોમવાર, 10 જુનથી રવિવાર, 16 જુન દરમિયાન) ભારત અને કેનેડા વચ્ચેની સહિત કુલ ત્રણ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, તો ઈંગ્લેન્ડ અને નામીબીઆ વચ્ચેની મેચમાં વરસાદના વિક્ષેપના કારણે ડકવર્થ અને લુઈસ નિયમનો અમલ કરાયો હતો.

LEAVE A REPLY