પ્રખ્યાત અમરનાથ યાત્રાનો શનિવાર, 29થી પ્રારંભ થઈ રહ્યો છે, જ્યારે કડક સુરક્ષા વચ્ચે યાત્રાળુઓનો પ્રથમ જથ્થો શુક્રવારે કાશ્મીર ખીણ પહોંચ્યો હતો. શ્રીનગરમાં તેમના આગમન પછી પોલીસ, વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક લોકોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં નવયુગ ટનલ ખાતે 4,603 યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું.
52 દિવસની તીર્થયાત્રા બે રૂટ પર ચાલુ થશે. તેમાં અનંતનાગમાં પરંપરાગત 48 કિમી નુનવાન-પહલગામ રૂટ તથા ગાંદરબલમાં 14 કિમીનો બાલતાલ રૂટનો સમાવેશ થાય છે. આ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
અગાઉ શુક્રવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નારાઓ વચ્ચે જમ્મુના ભગવતી નગર ખાતે યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પ્રથમ બેચને રવાના કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓને સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. યાત્રાળુઓ 231 હળવા અને ભારે વાહનોના કાફલા સાથે શ્રીનગર પહોંચ્યાં હતાં. યાત્રા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર આ વર્ષની યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથ ગુફા સુધીના બે રૂટ પર 125 જેટલા લંગર ઊભા કરવામાં આવ્યાં છે અને તેમાં 6,000થી વધુ સ્વયંસેવકો મદદ કરી રહ્યાં છે.