ભારતીય મૂળના અને આગ્રામાં જન્મેલા 56 વર્ષીય ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય આલોક શર્મા કિંગ ચાર્લ્સ III દ્વારા પીઅરેજ આપવામાં આવ્યા બાદ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીઅર તરીકે તેમની બેઠક લેશે.
બે વર્ષ પહેલાં COP26 ક્લાઈમેટ સમિટના પ્રમુખ તરીકે તેમના નેતૃત્વ દ્વારા આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં તેમના યોગદાન બદલ ગયા વર્ષે કિંગના નવા વર્ષની સન્માનની યાદીમાં સર આલોક તરીકે તેમને નાઈટહૂડ આપવામાં આવ્યું હતું.
વિદાય લઇ રહેલા વડા પ્રધાન ઋષિ સુનક દ્વારા રૂઢિગત “ડિસોલ્યુશન પીઅરેજીસ” માટે સાત નોમિનેશન કરવામાં આવ્યા હતા જેમાં લોર્ડ શર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મેને પણ પીઅર બનાવાયા હતા.
શર્માએ શુક્રવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “હાઉસ ઓફ લોર્ડ્સમાં નિમણૂક કરવા બદલ નમ્ર છું, પરંતુ રીડિંગ વેસ્ટ અને મિડ બર્કશાયર સહિત ઘણા સારા કન્ઝર્વેટિવ ઉમેદવારો હારી ગયા તે જોઈને ખૂબ દુ:ખ થાય છે. હું મારા કન્ઝર્વેટિવ સાથીદારોને ટેકો આપવાનું ચાલુ રાખીશ.”
તેમના ભૂતપૂર્વ મતવિસ્તાર રેડિંગને તાજેતરમાં રીડિંગ વેસ્ટ અને મિડ બર્કશાયર બનાવાયો હતો જે બેઠકને લેબરના ઓલિવિયા બેઈલી દ્વારા જીતવામાં આવી હતી.
શર્માએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં આગામી સામાન્ય ચૂંટણી નહિં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શર્માની 2006માં સંસદીય ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી અને 2010થી તેઓ ટોરી સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટેના સ્ટેટ સેક્રેટરી રહી ચૂક્યા છે અને જાન્યુઆરી 2021માં ભૂતપૂર્વ PM બોરિસ જોન્સન દ્વારા COP26 પ્રમુખ તરીકે તેમની નિમણુંક કરાઇ હતી.