અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ સ્ટેશન લઈ જઇને પૂછપરછ કરી હતી. આ કેસમાં એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે તે પહેલા જ હૈદરાબાદ પોલીસે તેની પૂછપરછ કરી રહી છે. અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ કેસમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થીયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.