પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની માન કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. હતું. (ANI Photo)

કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા પછી મોદી સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકસૂરે ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકી કેમ્પોને ધ્વંસ કરવાની માગણી કરી હતી. આ બેઠકમાં સરકારે સુરક્ષામાં થયેલી ચુકનો સ્વીકાર કર્યો હતો. વિપક્ષો સાંસદોએ સુરક્ષામાં ખામીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ખાતરી આપી હતી કે તેઓ આતંકવાદના મુદ્દાનો સામનો કરવામાં સરકારની સાથે છે.

તમામ પક્ષોની બેઠક પછી આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે તમામ પક્ષોએ આતંકવાદી શિબિરોના ખાતમા માટે સરકારની કાર્યવાહીની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંધ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે સંભવિત સુરક્ષા ખામીઓના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ વિપક્ષે ખાતરી આપી હતી કે તે આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે છે. આતંકવાદને નાબૂદ કરવા માટેની આ લડાઈમાં સમગ્ર દેશે એકજૂથ થવું પડશે.

સરકારે વિપક્ષી નેતાઓને પહેલગામ આતંકવાદી હુમલા અંગેની માહિતી આપી હતી અને તમામ પક્ષોના મંતવ્યો સાંભળ્યાં હતાં. બેઠકની શરૂઆતમાં હુમલાના પીડિતો માટે મૌન પાળવામાં આવ્યું હતું.

સરકાર તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર રહ્યા હતાં. રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાજર હતાં.બેઠકમાં એનસીપી-એસપીના સુપ્રિયા સુલે, એનસીપીના પ્રફુલ્લ પટેલ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, બીજેડીના સસ્મિત પાત્રા, ટીડીપીના લવુ શ્રી કૃષ્ણ દેવરાયાલુ, શિવસેનાના શ્રીકાંત શિંદે, આપના સંજય સિંહ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યા અને સપાના રામ ગોપાલ યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.

 

LEAVE A REPLY