લીવૂડની જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિક એક અનોખી બીમારીનો ભોગ બની છે. તેમણે અનેક લોકપ્રિય ગીતોમાં સૂર આપ્યો છે અને ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ ભૂમિકા ભજવી છે. અલકા યાજ્ઞિકે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો સાથે એક પોસ્ટ લખીને જાહેર કર્યું છે કે, એક ફ્લાઇટમાંથી બહાર આવીને તેને બધુંજ સંભળાતું બંધ થઈ ગયું હતું.
તેમણે આ પોસ્ટમાં લખ્યું, “મારા તમામ ચાહકો, મિત્રો, ફોલોવર્સ અને શુભેચ્છકો. થોડાં અઠવાડિયા પહેલાં હું એક ફ્લાઇટમાંથી બહાર આવી, તો મને અચાનક લાગ્યું કે મને કંઈ સંભળાતું નથી. આ ઘટના પછી અઠવાડિયાઓ સુધી હિંમત એકઠી કર્યા પછી હવે તમે બધાં, જે સતત પૂછી રહ્યા છો કે હું ક્યાં ગાયબ થઈ ગઈ છું, તેના માટે, હવે હું મારું મૌન તોડવા ઇચ્છું છું.”
આ બીમારીના નિદાન વિશે અલકા યાજ્ઞિકે લખ્યું હતું કે, “મારા ડોક્ટર દ્વારા એવું નિદાન કરવામાં આવ્યું છે કે મને એક રેર સેન્સરી ન્યુરલ નર્વ હિઅરિંગ લોસ છે, આ વાઇરલ હુમલો છે..અચાનક આવેલી મુસીબત માટે હું માનસિક રીતે તૈયાર નહોતી. હું ધીરે ધીરે આ તકલીફને સ્વીકારી શકું ત્યાં સુધી મહેરબાની કરીને મારા માટે પ્રાર્થના કરજો.” અલકા યાજ્ઞિકે અંતે પોતાના ચાહકો અને સાથીઓ માટે લખ્યું, “મારા યુવા મિત્રો અને સહકર્મીઓને હું વધુ મોટા અવાજે સંગીત સાંભળવા અને હેડફોન્સના ઉપયોગ માટે તકેદારી રાખવા સલાહ આપીશ, એક દિવસ હું તમારી સાથે મારા વ્યવસાયના કારણે થતી આરોગ્યની સમસ્યાઓ વિશે વિગતે વાત કરીશ. તમારા પ્રેમ અને સહકારથી હું બહુ ઝડપથી કામ પર પરત ફરવા અને જિંદગીની ગતિમાં તાલ મિલાવવાની આશા રાખું છું. આ તકલીફના સમયમાં તમારો સહકાર અને સમજ મારા માટે ખૂબ મહત્વની છે.”
આ પોસ્ટ પર અલકા યાજ્ઞિકના સહકર્મીઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઇલા અરુણે લખ્યું હતું, “પહેલાં તો મેં તારો ફોટો જોઈને જ રિએક્ટ કરી દીધું હતું અલકા, પણ જાણીને ઘણું દુઃખ થયું. આ ઘણી નિરાશાજનક બાબત છે અને સાથે એક આશીર્વાદ પણ છે. આજે તારી સાથે બેસ્ટ ડોક્ટર્સ હશે જેમની મદદથી અમે બહુ ઝડપથી ફરી તારો મીઠો અવાજ સાંભળી શકીશું. લવ યુ, ટેક કેર.” સોનુ નિગમે લખ્યું, “મને ખબર હતી કે કંઇક બરાબર નથી…હું પાછો આવીને તમને મળીશ…ભગવાન તમને ઝડપથી સાજા કરે..”