ભારતમાં દારુના સેવનથી થતાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લેન્સેટ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં તાજેતરના એક રીપોર્ટ મુજબ, ભારતમાં 2020માં દારુના સેવનને કારણે કેન્સરના નવા 62,100 કેસો નોંધાયા હતાં. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આલ્કોહોલિક પીણાંઓ પર ધ્યાન જાય તે રીતે ચેતવણીના લેબલ મારવાનું સૂચન કર્યું હતું. ઓર્ગેનાઇઝેશનના જણાવ્યાં મુજબ, આલ્કોહોલ એ એક પ્રસ્થાપિત કેન્સરકારક છે. વિશ્વમાં નિદાન થતાં કેન્સરના કુલ કેસોમાં આશરે 4 ટકા જેટલાં કેસ દારુના સેવન સાથે સંકળાયેલા હોય છે. ઓર્ગેનાઇઝેશને આલ્કોહોલને ઝેરી, મગજની કામગીરીને અસર કરતાં તત્વ તરીકે વ્યાખ્યાયીત કર્યું છે. આ ઉપરાંત દાયકાઓ પહેલાં ઈન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓફ કેન્સર દ્વારા તેને ગ્રુપ 1 કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કર્યું છે. ગ્રૂપ 1 કાર્સિનોજેનમાં એસ્બેસ્ટોસ, રેડિયેશન તથા તમાકુ જેવા કેન્સર માટે સૌથી વધુ જવાબદાર તત્વોનો સમાવેશ કરાયો છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડો. પુનીત ગર્ગના જણાવ્યાં મુજબ, દારુના સેવનથી કેન્સરના જોખમમાં વધારો થાય છે. 20થી વધુ પ્રકારના કેન્સર માટે આલ્કોહલનું સેવન જવાબદાર માનવામાં આવે છે. દારુના સેવનથી સામાન્ય રીતે સૌથી વધુ મોઢાં, ગળા, અન્નનળી, પેટ, આંતરડા, મળાશય, અને સ્વાદુપિંડના કેન્સર થાય છે. આ ઉપરાંત તેનાથી મહિલાઓના સ્તન અને પુરુષોના પ્રોસ્ટેટમાં પણ કેન્સર થવાનું જોખમ રહે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, ભુવનેશ્વરના ડો. તારાપ્રસાદ ત્રિપાઠીના જણાવ્યાં મુજબ આલ્કોહોલનું એસિટાલ્ડેહાઈટ નામના ઝેરી તત્વમાં રૂપાંતર થાય છે જે ડીએનએ અને પ્રોટીનને નુકસાન પહોંચાડે છે જેને કારણે મ્યુટેશન થતાં કેન્સર વિકસવાની શરૂઆત થાય છે. આ ઉપરાંત આલ્કોહોલને કારણે શરીર માટે જરૂરી એવા ફોલેટ અને વિટામિન એ,સી,ડી તથા ઈ જેવા પોષકતત્વો પચાવવાની ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે.
