અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ એક્શન ફિલ્મ હશે કે કોમેડી તે અંગે અટકળો થઈ રહી છે. અક્ષયકુમાર અત્યારે એક્શન અને કોમેડી ફિલ્મોમાં કામ કરે છે.
અજય દેવગણ પોતે પણ એક પીઢ અભિનેતા છે. આ અગાઉ તે ડાયરેક્ટર તરીકે ‘ભોલા’, ‘રન વે ૩૪’, ‘શિવાય’ અને ‘યુ મી ઔર હમ’ જેવી ફિલ્મો બનાવી છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં અક્ષય જેવા બીજા પીઢ કલાકારને લેવાનું નક્કી કર્યું છે એ એક રસપ્રદ ઘટના છે તેવું જાણકારો કહે છે.
જોકે, નેટ યૂઝર્સ દ્વારા એવી ટીખળ થઈ રહી છે કે અજય દેવગણની દિગ્દર્શક તરીકેની મોટાભાગની ફિલ્મો ફલોપ ગઈ છે બીજી તરફ અક્ષયકુમાર પણ ફલોપ ફિલ્મો આપી રહ્યો છે. આ સંજોગોમાં બંને ફલોપ કલાકારો ભેગા થઈને નવું શું કરશે તેની દર્શકો રાહ જોઇ રહ્યા છે. અજય દેવગણે ફિલ્મનું નામ, સ્ટોરી કે અન્ય કલાકારો વિશે કોઈ વિગતો જાહેર કરી નથી.