એક તરફ ઓસ્કાર એવોર્ડ મેળવવાની સ્પર્ધામાંથી ભારતીય ફિલ્મ બહાર થઇ છે, ત્યારે ઓસ્કારના એકેડેમી ઓફ ધ મોશન પિક્સર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઐશ્વર્યાની 2008ની ફિલ્મ ‘જોધા અકબર’ના વીડિયો સાથે એક ખાસ જાહેરાત કરી છે.
એકેડેમીએ એવી જાહેરાત કરી છે કે જોધાબાઈના લગ્નના દૃશ્યમાં ઐશ્વર્યાએ પહેરેલાં ચણિયાચોળી એકેડેમી મ્યુઝિયમના એક્ઝિબીશનનો ભાગ હશે. “આ એક એવા ચણિયાચોળી છે, જે એક રાણીને શોભે, જે મોટા પડદા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. 2008માં જોધા અકબરમાં ઐશ્વર્યા રાય બચ્ચને લાલ ચણિયાચોળી પહેર્યા હતાં જે ખૂબ જ જાજરમાન હતા. તેમાં ઝરદોસી એમ્બ્રોઇડરી, સદીઓ જૂની કારીગરી હતી. જો તમે તેને નજીકથી જોશો તો તમને એક મોર જોવા મળશે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને સંપૂર્ણ ઘરેણાથી નિર્મિત છે. નીતા લીલાએ માત્ર એક ચણિયાચોળી નહીં પણ એક પરંપરા ડિઝાઇન કરી છે.
એકેડેમી મ્યુઝિયમના કલર ઇન મોશન એક્ઝિબિશનમાં ઇતિહાસમાં પ્રવેશ કરો.” આ પોસ્ટ સાથે એકેડમી દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો, તે આશુતોષ ગોવારીકરની ફિલ્મનો છે, જેમાં મુઘલ બાદશાહનો રોલ કરી રહેલો રિતિક રોશન પણ દેખાય છે. જેમાં મ્યુઝિયમમાં પૂતળાને પહેરાવવામાં આવેલાં ચણિયાચોળી ઐશ્વર્યાએ પહેરેલાં જોઈ શકાય છે.