દિવાળીના તહેવારોમાં ફટાકડાના પ્રદૂષણને કારણે ભારતના પાટનગર દિલ્હીની હવા ઝેરી બની છે. સ્થિતિ એટલી ખરાબ થઇ છે કે તે શ્વાસ લેવાને લાયક બિલકુલ પણ રહી નથી. નવી દિલ્હી શુક્રવારની સવારે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં મોખરે રહ્યું છે. સ્વિસ ફર્મ આઇક્યુએરના જણાવ્યા મુજબ દિવાળીના બીજા દિવસે પહેલી નવેમ્બરે દિલ્હીમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું હતું. ઘણા લોકોએ પ્રતિબંધ છતાં ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. તેને લીધે હવામાનમાં ધુમ્મસનું જાડું થર પથરાયું હતું. દેશના અનેક શહેરોમાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી.
નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) મુજબ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના આનંદ વિહારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૮૮ના સ્તરે પહોંચ્યો હતો. જેને ‘બહુ ખરાબ’ ગણવામાં આવે છે. આટલી પ્રદૂષિત હવા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે. આઇક્યુઆરના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં મોખરે રહ્યું હતું. દિલ્હી સરકાર છેલ્લા કેટલાક વર્ષથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકે છે, પણ લોકોએ તેની અવગણના કરી હતી. દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઇ ૩૫૦થી વધુ રહ્યો હતો. જોકે, પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત ન હતી. ચેન્નાઇ અને મુંબઇની હવા પણ ખરાબ હતી. બંને શહેરોમાં ધુમ્મસનો અનુભવ થયો હતો. રહેવાસીઓ દિવાળીની ઉજવણીને પગલે વધેલા પ્રદૂષણથી ચિંતિત હતા. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની નજીકના રાજ્યોમાં પરાળ બાળવાની સમસ્યા ઘણા વર્ષોથી છે. તેને લીધે ધુમ્મસ છવાય છે. હવે ફટાકડાને કારણે તેમાં વધારો થયો છે.
સૌથી પ્રદૂષિત 10 શહેરો
1. દિલ્હી
2. લાહોર (પાકિસ્તાન)
3. બીજિંગ (ચીન)
4. ઢાકા (બાંગ્લાદેશ)
5. વુહાન (ચીન)
6. મુંબઇ
7. કાઠમંડુ, નેપાળ
8. બગદાદ (ઇરાક)
9. દુબઇ (યુએઇ)
10. કરાચી (પાકિસ્તાન)