ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઈન્સ એર ઇન્ડિયાએ એરબસ પાસેથી વધુ 100 વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો હોવાની સોમવાર, 9 ડિસેમ્બરે જાહેરાત કરી હતી. આ નવા ઓર્ડરમાં A321neo સહિત 10 વાઈડબોડી A350 અને 90 નેરોબોડી A320 ફેમિલી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. અગાઉ કંપનીએ ગયા વર્ષે એરબસ અને બોઇંગને 470 વિમાનનો ફર્મ ઓર્ડર આપ્યો હતો.
આ નવા ઓર્ડર સાથે એર ઇન્ડિયા એરબસ પાસેથી કુલ 350 વિમાન ખરીદશે. 2023માં કંપનીએ એરબસને 250 વિમાનો માટે ઓર્ડર આપ્યો હતો.
એર ઈન્ડિયાએ તેના A350 વિમાન કાફલાના મેન્ટેનન્સ એરબસની ફ્લાઈટ અવર સર્વિસીસ-કમ્પોનન્ટ (FHS-C)ની પસંદગી કરી હોવાની પણ જાહેરાત કરી હતી. નવા મટેરિયલ્સ એન્ડ મેન્ટેન્સ કોન્ટ્રાક્ટથી એર ઇન્ડિયાને તેના A350 વિમાન કાફલાની જાળવી કરવામાં મદદ મળશે.
ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે આ વધારાના 100 એરબસ એરક્રાફ્ટ એર ઈન્ડિયાને વિકાસના માર્ગ પર સ્થાપિત કરવામાં મદદ કરશે અને એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાના અમારા મિશનમાં યોગદાન આપશે.
એરબસના સીઇઓ જા ફૌરીએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ અમારા A320 ફેમિલી અને A350 એરક્રાફ્ટ બંને માટે આ વધારાના ઓર્ડર સાથે એરબસમાં તેનો વિશ્વાસ રિન્યૂ કર્યો છે.