જાણીતી એરલાઇન્સ-એર ઇન્ડિયા દ્વારા હવે તેના નેરોબોડી વિમાનમાં વાયરલેસ ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સર્વિસ-વિસ્ટા સ્ટ્રીમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાથી મુસાફરો ફ્લાઇટમાં અવિરત મનોરંજન માણી શકશે. વર્તમાન વર્ષે ઓગસ્ટમાં એર ઇન્ડિયાના વાઇડ બોડી વિમાનો (બોઇંગ 777 અને એરબસ 350 એરક્રાફ્ટ સિવાય)માં આ સર્વિસનો પ્રારંભ થયો હતો. હવે આ આધુનિક વિસ્ટા સ્ટ્રીમ સર્વિસ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક નેટવર્કના નાના અને મોટા બંને પ્રકારના વિમાનોમાં ઉપલબ્ધ થશે. વિસ્ટા સ્ટ્રીમ સર્વિસ દ્વારા મુસાફરો તેમના અંગત સ્માર્ટ ફોન્સ, ટેબલેટ્સ અને લેપટોપમાં વિવિધ પ્રકારનું મનોરંજન સીધી રીતે માણી શકશે.
આ અંગે એર ઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપીરિયન્સ ઓફિસર રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે, અમે એર ઇન્ડિયાને વૈશ્વિક કક્ષાની એરલાઇનમાં તબદિલ કરી રહ્યા છીએ ત્યારે મહેમાનોને ફલાઇટમાં વિસ્ટા સ્ટ્રીમ દ્વારા તેમની અંગત ડીવાઇસમાં ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ સામગ્રી ઉપલબ્ધ કરાવતાં અમને ખૂબ ખુશી થાય છે.
મહેમાનો 1600 કલાકથી વધુની બોલીવૂડ-હોલીવૂડનું ઉચ્ચ કક્ષાનું મનોરંજન અને બાળકો માટેના પ્રોગ્રામ માણી શકશે. આ ઉપરાંત ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન આઇઓએસ અને એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને મેકઓએસ ડીવાઇસીઝમાં વિસ્ટા સ્ટ્રીમના રીઅલ ટાઇમ ફ્લાઇટ ટ્રેકિંગની સુવિધાનો પણ અનુભવ કરી શકાશે.

LEAVE A REPLY