અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી એન્જિયોપ્લાસ્ટી કરતાં કરતાં બે દર્દીના મોત થયા હતાં. દર્દીના મોત પછી પરિવારજનો સખત રોષે ભરાયાં હતાં અને તેમણે હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટર્સ અને મેનેજમેન્ટ સ્ટાફ ગાયબ થઈ ગયો હતો. રાજ્ય સરકારે હોસ્પિટલના આ કથિત કાંડની તપાસનો આદેશ આપ્યો હતો.
આ હોસ્પિટલે કડી તાલુકાના બોરીસણા ગામે હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરે નિ:શુલ્ક આરોગ્ય તપાસનું આયોજન કર્યું હતું. ચેક-અપ પછી, ગામના 19 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં કથિત રીતે તેમને જાણ કર્યા વિના તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. આ પછી સાત દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી પણ કરાઈ હતી. તેમાંથી બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને અન્ય પાંચ દર્દીને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.
દર્દીઓના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને જાણકારી આપ્યા વગર એન્જીયોપ્લાસ્ટીની કરાઈ હતી. હોસ્પિટલની બેદરકારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રારંભિક માહિતી મુજબ આ દર્દીઓના આયુષ્માન કાર્ડમાંથી પૈસા પણ કાપવામાં આવ્યા હતાં.
હોસ્પિટલે સ્ટેન્ટ મૂક્યા પછી 70 વર્ષના નાગરભાઈ મોતીભાઈ સેનમ અને 50 વર્ષના મહેશભાઈ ગીરધરભાઈ બરોટ નામના દર્દીનું થયું હતું. અન્ય પાંચ દર્દીની હાલત ગંભીર બની હતી. પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું.
આ સમગ્ર મામલની તપાસનો આદેશ આપતા ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં તબીબી બેદરકારી સાબિત થશે, તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’