ગુજરાતના વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને સ્પેને અનેક સમજૂતી (MOU) પર હસ્તાક્ષર કર્યા હતાં. બંને દેશો વચ્ચે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે તેમજ સંસ્કૃતિ અને પર્યટન જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ અંગેના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. સ્પેન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે જણાવ્યું હતું કે વડોદરા ખાતેના પ્રતિષ્ઠિત લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. યુક્રેનના સંદર્ભમાં, બંને પક્ષોએ તેમના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. મોદીએ ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે આવા કોઈપણ સંઘર્ષને માત્ર વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલી શકાય છે. આ યુદ્ધનો સમય નથી, આનો ઉકેલ યુદ્ધના મેદાનમાં લાવી શકાય નહીં. ભારતે તેના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે તે ખરેખર એક મુક્ત, ખુલ્લું, સમાવિષ્ટ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ ઈન્ડો-પેસિફિક ઇચ્છે છે
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે રેલ પરિવહન પરના એક એમઓયુમાં લાંબા અંતરના પેસેન્જર અને ફ્રેઇટ નેટવર્ક તથા અર્બન અને રિજનલ રિલવે સિસ્ટમના પ્લાનિંગ, ડિઝાઇન, ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. રેલવે ફેસિલિટી અને ઇક્વિપમેન્ટ અંગે પણ બંને દેશો વચ્ચે સહકાર સાધવામાં આવશે.
બેઠક દરમિયાન સંમતિ સધાઈ હતી કે 2026ને ‘ભારત-સ્પેન યર ઓફ કલ્ચર, ટુરિઝમ એન્ડ એઆઈ’ તરીકે ઉજવવામાં આવશે. વધુમાં સંગીત, નૃત્ય, થિયેટરમાં દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે 2024-28 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.બેઠક દરમિયાન કસ્ટમ્સ સંબંધિત બાબતોમાં સહકાર અને પરસ્પર સહાયતા અંગેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લાલે જણાવ્યું હતું કે સ્પેનિશ પ્રતિનિધિમંડળમાં બે પ્રધાનો અને ત્યાંની અગ્રણી કંપનીઓના 15 સીઈઓ સામેલ હતા.પીએમ મોદી દ્વારા આયોજિત ભવ્ય મહેલમાં ભોજન સમારંભ પછી દ્વિપક્ષીય વાટાઘાટો કરવામાં આવી હતી