ભારે વિરોધ પછી ભારત સરકારે મંગળવારે પ્રોપર્ટી ટેક્સના નવા નિયમને હળવો કર્યો હતો. 23 જુલાઈના રોજ ભારતે રિયલ એસ્ટેટ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને 20%થી ઘટાડીને 12.5% કર્યો, પરંતુ ઇન્ડેક્શનનો લાભ દૂર કર્યો હતો.
જોકે ભારે વિરોધ પછી સરકારે કરદાતાઓને નવો રેટ એટલે કે 12.5 ટકાના લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો અથવા ઇન્ડેક્સેશનના લાભ સાથે 20 ટકાના દરે ટેક્સ ભરવાનો વિકલ્પ આપ્યો છે.
સરકાર 23 જુલાઈ, 2024 પહેલાં વ્યક્તિગત કે હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) દ્વારા ખરીદવામાં આવેલી પ્રોપર્ટી માટે અગાઉના ઈન્ડેક્સેશનના જે લાભ મળતા હતા તેને આધારે ટેક્સ વસૂલવાનો વિકલ્પ આપશે. ઈન્ડેક્સેશન વગર નવા નીચા રેટનો વિકલ્પ પણ મળશે. આ બે પૈકી જે નીચો ટેક્સ હશે તે વસૂલાશે. આ અંગે ફાઈનાન્સ બિલમાં આ સુધારો કરાયો છે.
બજેટના દિવસ એટલે કે 23 જુલાઈ, 2024 પહેલાં ખરીદવામાં આવેલી જમીન, કે મકાન કે બન્ને ટ્રાન્સફર કરવા પર લોંગ ટર્મ કેપિટલ ટેક્સની ગણતરી નવી સ્કીમ મુજબ અને જૂની સ્કીમ મુજબ એમ બન્ને મુજબ કરી શકાશે અને આ બે પૈકી જે ઓછી હશે તે રકમ કરદાતાએ ચૂકવવાની રહેશે.
ઈન્ડેક્સેશન અંતર્ગત પ્રોપર્ટી ખરીદનારને ફુગાવા સામે તેના વધતા ભાવનો લાભ મળતો હોય છે જેને કારણે તેનો ગેઈન ઘટે છે અને તેને કારણે ટેક્સની જવાબદાર ઘટે છે. બજેટમાં આ લાભ પાછો ખેંચી લેવાતા વ્યાપક પ્રમાણમાં એવો મત ઊભો થયો હતો કે તેને કારણે પ્રોપર્ટી વેચનારે વધારે ટેક્સ ભરવો પડશે.