બાંગ્લાદેશમાં રવિવાર, 4 ઓગસ્ટથી નવેસરથી ચાલુ થયેલા જનતા હિંસક વિરોધ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપ્યું હતું અને તેઓ દેશ છોડીને ભારતમાં ભાગ્યા હતાં.
શેખ હસીના બાંગ્લાદેશ એરફોર્સના C-130J મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં નવી દિલ્હી નજીક ઉત્તરપ્રદેશમાં આવેલા હિન્ડોન એરબેઝ પર ઉતર્યા હતાં. તાકીદે તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે તેઓ ભારતમાં જ રહેશે કે પછી લંડનમાં રાજકીય આશ્રય માંગશે. હિંડોનમાં હસીનાના સ્ટોપઓવર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી ન હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે શેખ હસીના લંડન જશે અને ભારતે માત્ર તેમને સેફ પેસેજ આપ્યો છે.
શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે શરૂ થયેલા દેખાવોમાં બે દિવસમાંથી 100થી વધુ લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા હતાં. અગાઉના અનામત વિરોધી આંદોલન વખતે આશરે 200 લોકોના મોત થયા હતાં.
આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને સોમવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને વચગાળાની સરકાર સત્તા સંભાળશે. હું દેશની તમામ જવાબદારી લઈ રહ્યો છું. મહેરબાની કરીને મને સહકાર આપો.
આર્મી ચીફે કહ્યું હતું કે તેઓ રાજકીય નેતાઓને મળ્યા છે અને તેમને કહ્યું છે કે સેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. જોકે બેઠકમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના કોઈ નેતા હાજર ન હતાં. આર્મી ચીફની ઘોષણા પછી તરત જ સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને હસીનાની હકાલપટ્ટીની ઉજવણી કરી હતી.
શેખ હસીના અને તેમની બહેન ગણભવન (વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન) છોડીને સ્પેશ્યલ વિમાનમાં સુરક્ષિત સ્થળ ગણાતા ભારતમાં આવ્યાં હતાં. તેઓ એક ભાષણ રેકોર્ડ કરવા માંગતાં હતાં, પરંતુ આવું કરવાની તક મળી ન હતી.
76 વર્ષીય શેખ હસીના છેલ્લાં 15 વર્ષથી બાંગ્લાદેશમાં શાસન કરતાં હતા. બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની 76 વર્ષીય પુત્રી હસીના 2009થી વ્યૂહાત્મક રીતે મહત્ત્વના દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર પર શાસન કરી રહ્યાં હતાં. તેઓ જાન્યુઆરીમાં યોજાયેલી 12મી સામાન્ય ચૂંટણીમાં સતત ચોથી વખત અને એકંદરે પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યાં હતાં. ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને તેમના સાથીઓની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
વડાપ્રધાન નિવાસસ્થાનમાં તોડફોડ, લૂંટફાટ
સેંકડો દેખાવકારોએ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ગણભવન’ પર હુમલો કર્યો હતો તથા તોડફોડ અને લૂંટફાટ કરી હતી. કેટલાક ગણભવનના નિવાસસ્થાનમાંથી ખુરશીઓ અને સોફા લઈને જતા જોવા મળ્યા હતાં. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રાજધાનીમાં 3/A ધનમંડીમાં હસીનાની પાર્ટીના કાર્યાલયને દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી. ગૃહપ્રધાન અસદુઝમાન ખાનના ઘરમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. દેખાવકારોએ હસીનાના પિતા મુજીબુર રહેમાનની પ્રતિમાને હથોડાથી તોડી નાખી હતી
સેંકડો હજારો વિરોધીઓએ કર્ફ્યુનો ભંગ કર્યો હતો અને રાજધાનીની શેરીઓમાં લોંગ માર્ચ કરી હતી. દેખાવકારો વડાપ્રધાનના મહેલ પર હુમલો કર્યો હતો. ઢાકામાં વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાનમાં લોકો ઘુસ્યા હતાં અને ઉજવણી કરી કરી હતી. ઢાકામાં બખ્તરબંધ વાહનો સાથેના સૈનિકો અને પોલીસે હસીનાની ઓફિસ તરફ જવાના માર્ગોને કાંટાળા તાર વડે બેરિકેડ કરી દીધાં હતાં, પરંતુ વિશાળ ટોળાએ અવરોધો તોડી નાંખ્યાં હતાં.
બે દિવસની હિંસામાં 100થી વધુના મોત
વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રવિવાર, 4 ઓગસ્ટથી દેશભરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયાં હતાં અને સેંકડો ઘાયલ થયાં હતાં. હસીનાના રાજીનામાની માગણી કરી રહેલા લોકો અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં 11 પોલીસના પણ મોત થયાં હતાં. વ્યાપક હિંસાને પગલે સત્તાવાળાઓએ મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી અનિશ્ચિત સમય માટે દેશવ્યાપી કર્ફ્યુ લાદ્યો હતો.
સરકારના રાજીનામાની એક મુદ્દાની માંગ સાથે વિદ્યાર્થીઓના બેનર હેઠળ રવિવારે સવારે યોજાયેલા એક અસહકાર કાર્યક્રમને પગલે હિંસાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમનો અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. અનેક સ્થળોએ પોલીસ વાહનો અને સરકારી ઈમારતો પર તોડફોડ અને આગચંપી કરવાના અહેવાલો મળ્યાં હતાં. દેશભરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે એમ ત્રણ દિવસની જાહેર રજા જાહેર કરી હતી. વિરોધ વચ્ચે ઢાકામાં મોટાભાગની દુકાનો અને મોલ બંધ રહ્યાં હતા. ઢાકાના શાહબાગ ખાતે સેંકડો વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો એકઠા થયા હતા અને તમામ દિશામાંથી ટ્રાફિક અટકાવી દીધી હતો.
બંગાળી ભાષાના અગ્રણી દૈનિક પ્રથમ આલોના રીપોર્ટ મુજબ અસહકાર કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં અથડામણ, ગોળીબાર અને જવાબી હુમલામાં ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયાં હતાં. ઢાકામાં 13 પોલીસ સહિત 22ના, ફેનીમાં આઠના, બોગુરામાં પાંચના, મુંશીગંજમાં ત્રણના, માગુરામાં ચારના, ભોલામાં ત્રણના, રંગપુરમાં ચારના, પબનામાં ત્રણના, જોયપુરહાટમાં એકનું મોત થયું હતું.
પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓના મોત થયા હતાં અને 300 પોલીસ જવાનો ઘાયલ થયાં હતાં. શેખ હસીનાએ સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબી અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારના વિરોધ પ્રદર્શનમાં કટ્ટરવાદી ઇસ્લામી શાશોન્તન્ત્ર આંદોલનના કાર્યકરો અને બીજા લોકો જોડાયાં હતાં. તેમણે રાજધાનીમાં અનેક મુખ્ય રાજમાર્ગો પર બેરિકેડ ઉભા કર્યા હતાં. દેખાવકારોએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષની ઓફિસો અને તેમના નેતાઓના નિવાસસ્થાનો પર હુમલો કર્યા હતા અને અનેક વાહનો સળગાવી દીધાં હતાં. હિંસા વકરતા સત્તાવાળાઓને રવિવારે સાંજે 6 વાગ્યાથી બાંગ્લાદેશના મોટા શહેરો અને નાના નગરોમાં અનિશ્ચિત સમયગાળા માટે કર્ફ્યુનો આદેશ આપ્યો હતો તથા સૈનિકો, પેરામિલિટરી બોર્ડર ગાર્ડ BGB, રેપિડ એક્શન બટાલિયન અને પોલીસ જવાનો ખડક્યાં હતાં. સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મોબાઈલ ઓપરેટરોને 4G મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ અપાયો હતો.
બીજી તરફ ભૂતપૂર્વ મિલિટરી જનરલોના એક ગ્રૂપે સરકારને સશસ્ત્ર દળોને શેરીઓમાંથી પાછા ખેંચવા અને તેમને બેરેકમાં પાછા મોકલવાનો અનુરોધ કર્યો હતો. ભૂતપૂર્વ આર્મી ચીફ ઈકબાલ કરીમ ભુઈયાએ જણાવ્યું હતું કે સરકારે હાલની કટોકટીનો ઉકેલ રાજકીય પહેલ મારફત કરવો જોઇએ અને સશસ્ત્ર દળોને શરમજનક અભિયાનમાં સામેલ કરી તેમની છબી ખરાબ ન કરવી જોઇએ. આ ગ્રુપે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી સશસ્ત્ર દળોએ ક્યારેય જનતાનો સામનો કર્યો નથી અથવા તેમના સાથી નાગરિકોની છાતી પર બંદૂકોને તાકી નથી.
શિક્ષણ પ્રધાન સહિતના નેતાઓના ઘરો પર હુમલા
ચટ્ટોગ્રામમાં શિક્ષણ પ્રધાન મોહિબુલ હસન ચૌધરી નૌફેલ અને ચટ્ટોગ્રામ સિટી કોર્પોરેશનના મેયર રેઝાઉલ કરીમ ચૌધરીના નિવાસસ્થાન તેમજ એએલ સાંસદ મોહીઉદ્દીન બચ્ચુના કાર્યાલય પર હુમલો કરાયો હતો. તેની દેખીતી પ્રતિક્રિયારૂપે સ્થાયી સમિતિના સભ્ય અમીર ખોસરુ મહમુદ ચૌધરી સહિત વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) નેતાઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. નરસિંગડીમાં દેખાવકારોના ટોળાએ સત્તાધારી પક્ષના અવામી લીગના છ નેતાઓ અને સમર્થકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.