(ANI Photo)

મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાં હતાં. ભાજપના વડપણ હેઠળના મહાયુતિ ગઠબંધનના નેતાઓ એકનાથ શિંદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતાં. 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર પછીની લાંબી ખેંચતાણ પછી રચાયેલી આ નવી સરકારમાં અન્ય કોઈ મંત્રીઓએ શપથ લીધા ન હતાં.

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના કેન્દ્રીય પ્રધાનો, તથા યોગી આદિત્યનાથ, નીતિશ કુમાર, હિમંતા બિસ્વા સરમા, મોહન યાદવ સહિત વિવિધ NDA શાસિત રાજ્યો રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યાં હતાં. આ સમારોહમાં શાહરૂખ ખાન અને મુકેશ અંબાણી સહિત બોલિવૂડ અને કોર્પોરેટ જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા આગામી સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ કરાશે.

નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયેલા 54 વર્ષીય ફડણવીસને રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. રાજ્યપાલે શિંદે અને અજિત પવારને પણ શપણ લેવડાવ્યા હતાં.
ભાજપ-શિવસેના-એનસીપી મહાયુતિ ગઠબંધન પાસે વિધાનસભામાં કુલ 288 બેઠકોમાંથી 230 બેઠકોની પ્રચંડ બહુમતી છે.

ફડણવીસે અગાઉ 2014થી 2019 સુધી ભાજપ-શિવસેના સરકારનું નેતૃત્વ કર્યું હતું. 2019ની ચૂંટણીઓ પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સીએમ પદના મુદ્દે ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ફડણવીસે અજિત પવાર સાથે જોડાણ કરી બીજી વખત શપથ લીધાં હતાં. જોકે એનસીપીના પૂરતા ધારાસભ્યોનું સમર્થન ન મળતાં આ સરકાર માત્ર 72 કલાક ચાલી હતી.

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને ધૂળ ચટાવીને દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત કમાન સંભાળી રહ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં 20માંથી 12 મુખ્યમંત્રી મરાઠા રહી ચૂક્યા છે. બિન-મરાઠા હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસે પોતાની ક્ષમતાના આધારે જ મહારાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની સામે ફડણવીસે ભાજપનો વિજય ઝંડો લહેરાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસને રાજકારણ વારસામાં મળ્યું હતું. આ પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમને રાજ્યના રાજકારણમાં લાવ્યા હતાં અને તેથી ફડણવીસ પણ તેમને પોતાના ગુરુ માને છે.

 

LEAVE A REPLY