(ANI Photo)

પુરી ખાતેના જગવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ (ખજાનો) આખરે ચાર દાયકાથી વધુ સમય બાદ રવિવાર, 14 જુલાઈએ ખોલવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ઓડિશા સરકારે જારી કરેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs)નું પાલન કરીને ખોલાયો હતો.

મૂલ્યવાન વસ્તુઓની યાદી તૈયાર કરવા અને ભંડાર ગૃહના સમારકામ માટે રત્ન ભંડારને ખોલવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે રચેલી 11 સભ્યોની સમિતિના સભ્યો બપોરે આશરે 12 કલાકે મંદિરમાં પ્રવેશ્યા હતાં અને અનુષ્ઠાન કર્યા બાદ રત્નભંડાર બપોરે શુભ મૂહુર્તમાં ખોલાયો હતો. ગર્ભગૃહમાં સાપ હશે તેવી અપેક્ષાએ સાપ પકડનારાઓને પણ સાથે રખાયા હતાં. જોકે સાપ ન નીકળતા રાહત થઇ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રત્ન ભંડારને ફરી ખોલવાના મુદ્દે પ્રચાર થયો હતો. ભાજપે સત્તારૂઢ બીજૂ જનતા દળ પર તેની ગુમ થયેલી ચાવીઓના મુદે નિશાન તાક્યું હતું અને લોકોને વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતે છે તો રત્ન ભંડારને ફરી ખોલવાનો પ્રયાસ કરશે.

મૂલ્યવાન વસ્તુઓની યાદી તત્કાળ નહિ બનાવવામાં આવે. આ કામગીરી મૂલ્યાંકનકર્તાઓ, જ્વેલર્સ અને અન્ય નિષ્ણાતોની નિયુક્તિ પછી સરકારની મંજૂરી બાદ કરાશે. રત્ન ભંડારના આંતરિક અને બાહ્ય રૂમોમાં રાખવામાં આવેલા આભૂષણ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને લાકડાના બોક્સમાં બંધ કરીને અસ્થાયી સુરક્ષિત રૂમમાં મુકી દેવાયા છે. આ રૂમમાં સીસીટીવી સહિત તમામ વ્યવસ્થા કરી દેવાઇ હતી.

LEAVE A REPLY