અબજોપતિ ગૌતમ અદાણીનું જૂથ રિયલ એસ્ટેટ કંપની એમાર ઇન્ડિયાને લગભગ 1.4-1.5 બિલિયન ડોલરના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં હસ્તગત કરવા માટે અંતિમ તબક્કાની મંત્રણા કરી રહ્યું છે. પ્રોપર્ટી બિઝનેસના વિસ્તરણની યોજનાના ભાગરૂપે અદાણી આ એક્વિઝિશન કરશે.
દુબઈ સ્થિત એમાર પ્રોપર્ટીઝે 2005માં ભારતના MGF ડેવલપમેન્ટ સાથે ભાગીદારી કરીને ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં પ્રવેશ કર્યો હતો અને સંયુક્ત સાહસ કંપની એમાર એમજીએફ લેન્ડ દ્વારા રૂ.8,500 કરોડનું રોકાણ કર્યું છે. એપ્રિલ 2016માં એમ્માર પ્રોપર્ટીઝે ડિમર્જર પ્રક્રિયા દ્વારા સંયુક્ત સાહસનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો.
એમ્માર ઇન્ડિયા પાસે દિલ્હી-એનસીઆર, મુંબઈ, મોહાલી, લખનૌ, ઇન્દોર અને જયપુરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનો મોટો પોર્ટફોલિયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ સ્થિત એમાર પ્રોપર્ટીઝ અને અદાણી ગ્રુપ વચ્ચેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.
અદાણી ગ્રુપ તેની અનલિસ્ટેડ કંપનીઓ અદાણી રિયલ્ટી અને અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં સક્રિય છે. ગ્રુપની મુબઈની ધારાવી સહિતના પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પણ મળ્યા છે. ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે.
