જાણીતા ફિલ્મકાર રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગણની ફરીથી નવી ફિલ્મ સિંઘમ અગેઇન પ્રદર્શિત કરાઇ છે. આ ફિલ્મની કથામાં આધુનિક સમયના પરિપ્રેક્ષ્યમાં રામાયણની ઝલક જોવા મળે છે. આ ફિલ્મ ડ્રામા, એક્શન અને રોમાંચથી ભરપૂર છે. જોકે, આ ફિલ્મમાં અનિષ્ટો પર સારપનો વિજય અને બહાદુરી તેમ જ વફાદારીને પણ દર્શાવવામાં આવી છે.
સિંઘમ અગેઇનમાં ડીસીપી બાજીરાવ સિંઘમ (અજય દેવગણ) અને તેની પત્ની અવની (કરીના કપૂર ખાન)ની વાર્તા છે. આમાં ત્રાસવાદી ઝુબેર હાફિઝ ઉર્ફે ડેન્જર લંકા (અર્જુન કપૂર) સીતા એટલે કે કરીનાનું અપહરણ કરે છે, જેમ રામાયણમાં રાવણે કર્યું હતું તેમ. આ ફિલ્મ રામાયણનું સ્વરૂપ હોવાનું કહેવાય છે, જે મોટા પડદા પર જોયા પછી દર્શકોને જણાશે. ફિલ્મની શરૂઆતમાં, દયા (દયાનંદ શેટ્ટી) અર્જુન કપૂર અને તેની ટીમનો સામનો કરે છે અને આ દરમિયાન તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. આ એન્કાઉન્ટર ત્યારે થાય છે જ્યારે તેઓ કરીના કપૂર ખાનનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. અહીંથી તેમની લડાઈ શરૂ થાય છે. ફિલ્મમાં એક્શન દૃશ્યો દર્શકોને જોવા ગમશે.
અજય દેવગણે તેના પાત્રને સંપૂર્ણ રીતે આત્મસાત કરી લીધું છે, તેના કડક અને ભાવનાત્મક બંને પાસાઓ ખૂબ અસરકારક છે. જ્યારે કરીના કપૂરે અવનીના હિંમતવાન અને આત્મવિશ્વાસુ પાત્રમાં એક અલગ જ ભૂમિકા ભજવી છે. રણવીર સિંહ એસીપી સંગ્રામ સિમ્બા ભાલેરાવના પાત્રમાં છે. દીપિકા પદુકોણે એસપી શક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવી છે. એસીપી સત્ય બાલીની ભૂમિકામાં ટાઈગર શ્રોફ છે. ફિલ્મમાં અર્જુન કપૂરે પડકારજનક વિલનની ભૂમિકા ભજવી છે.
ફિલ્મમાં રોહિત શેટ્ટીનું દિગ્દર્શન અદ્ભુત છે, આ ફિલ્મમાં ડ્રામા, કોમેડી અને ઈમોશનનું સંતુલન જોવા મળે છે. ફિલ્મમાં ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાનના કેમિયો પણ જોવા મળશે.
આ ફિલ્મની રીલીઝ અગાઉ સેન્સર બોર્ડે તેને UA સર્ટિફિકેટ આપ્યું હતું. બોર્ડે આ ફિલ્મમાં મિનિટ કેટલાક કટ પણ સૂચવ્યા હતા. એક 23 સેકન્ડનો કટ છે, જેમાં સિંઘમ, અવની અને સિમ્બાને ભગવાન રામ, સીતા અને ભગવાન હનુમાન તરીકે દર્શાવાયા છે. તે ઉપરાંત એક 23 સેકન્ડનો કટ છે, જેમાં સિંઘમ ભગવાન રામને ચરણ સ્પર્શ કરે છે, તેમાં સુધારા કરવાના છે. આ ઉપરાંત રાવણ એક નાટકીય સીનમાં સીતાને ધક્કો મારે છે, પકડે છે અને ખેંચે છે તેવો 16 સેકન્ડનો એક સીન દૂર કરવા કહેવાયું છે. આ ઉપરાંત એક 29 સેકન્ડનો સીન જેમાં હનુમાન લંકા બાળે તેમજ સિમ્બા ફ્લર્ટ કરતો હોય છે એ સીન પણ ડિલીટ કરવા કહેવાયું છે. આ ઉપરાંત ચાર જગ્યાએ ઝુબૈર એટલે કે અર્જુન કપૂરના ડાયલોગને ડિલીટ કરવા અને તેમાં થોડા ફેરફાર કરવા કહેવાયું છે. જ્યારે કેટલીક જગ્યાએ અર્જૂન કપૂર અને સિમ્બા વચ્ચેના ડાયલોગમાં પણ ફેરફાર સૂચવાયા છે.