ભારતમાં આગામી સમયગાળામાં ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી અને સિનિયર સિટિઝન માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ સસ્તો થશે, જ્યારે મોંઘા પગરખા અને કાંડા ઘડિયાળ વધુ મોંઘી થવાની ધારણા છે. તેનું કારણ એ છે કે પ્રધાનોના ગ્રૂપ (GoM)એ ટર્મ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પરના જીએસટીને નાબૂદ કરવાની ભલામણ કરી હતી. પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર, સાયકલ અને નોટબૂકના જીએસટી દરોમાં ઘટાડો કરવાની પણ ભલામણ કરી છે. જોકે મોંઘા પગરખા અને કાંડા ઘડિયાળ પરના જીએસટી રેટમાં વધારો કરવાની ભલામણ કરે છે. આ અંગેનો અંતિમ નિર્ણય આગામી મહિને જીએસટી કાઉન્સિલની બેઠકોમાં લેવામાં આવશે.
પ્રધાનોના ગ્રુપના મોટાભાગના સભ્યોએ આમ આદમીને રાહત આપવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોન્સના જીએસટી રેટમાં ઘટાડો કરવાની તરફેણ કરી હતી. હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના જીએસટી અંગેના પ્રધાનોના ગ્રુપની શનિવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રૂ. 5 લાખ સુધીના હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમને જીએસટીમાં માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે રૂ.50 લાખથી વધુના હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પરનો 18 ટકાનો જીએસટી યથાવત રહેશે.
જીએસટીના દરના રેશનાલાઇઝેશન અંગેના પ્રધાનો ગ્રૂપની પણ શનિવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર, સાયકલ, નોટબુક, લક્ઝરી કાંડા ઘડિયાળો અને પગરખા સહિતની ઘણી બધી ચીજવસ્તુઓ પર ટેક્સના દરમાં ફેરફાર કરવા માટે જીએસટી કાઉન્સિલને ભલામણ કરાઈ હતી.
હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પરના જીએસટી અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. આગામી મહિને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના વડપણ પણ જીએસટી કાઉન્સિલની બેઠક યોજવાની શક્યતા છે.
રેટ રેશનાઇઝેશન અંગેના પ્રધાનોના ગ્રૂપે 20 લીટર અને તેનાથી વધુના પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરના જીએસટી દરને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની દરખાસ્ત કરી છે. જો GST કાઉન્સિલ દ્વારા GoMની ભલામણ સ્વીકારવામાં આવશે તો 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GSTનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. એજ રીતે એક્સરસાઇઝ નોટબુક પરનો GSTનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
જોકે જીઓએમએ રૂ.15,000થી વધુ ભાવને પગરખા પરનો GSTનો દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની દરખાસ્ત પણ કરી હતી. આ ઉપરાંત પ્રધાનોના જૂથે રૂ.25,000 વધુની કાંડા ઘડિયાળ પરનો GSTનો દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની દરખાસ્ત કરી છે.