(ANI Photo)

અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ મૃત્યુ પામી રહેલા રહેલા માણસની સત્ય ઘટના પર આધારિત છે. આ વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેને કેન્સર છે અને તે માત્ર 100 દિવસ જીવશે.

આ ફિલ્મમાં ઘણી હ્રદયસ્પર્શી બાબતો દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અર્જુન સેનની વાર્તા છે, જે દિગ્દર્શક શૂજિત સરકારનો મિત્ર પણ છે. અભિષેક બચ્ચન આ ફિલ્મમાં અર્જુન સેનના પાત્રમાં છે. તેણે તેની પત્નીથી છૂટાછેડા લીધા છે અને તેઓ તેમની એકમાત્ર પુત્રી, રિયાના સહ-માતાપિતા છે. પુત્રી અઠવાડિયામાં ત્રણ દિવસ પિતા સાથે અને બાકીના ચાર દિવસ માતા સાથે રહે છે.

એક દિવસ અર્જુન ને ખબર પડે છે કે તેને ગળાનું કેન્સર છે. જીવલેણ બીમારી સિવાય તેને એ પણ ખબર પડે છે કે તેની પુત્રી અને તેના સંબંધોમાં ઘણું અંતર છે. આ પછી, અર્જુન ન માત્ર તેના મૃત્યુ સામે લડે છે પરંતુ તેની અને પુત્રી વચ્ચેનું અંતર ઘટાડવાનો નિર્ણય પણ લે છે. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી. અભિષેક બચ્ચન છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળ્યા હતા. ફિલ્મની ભૂમિકામાં ફિટ થવા માટે તેમણે કેટલાક મોટા ફેરફારો કર્યા છે.

આ ફિલ્મ દર્શકોને શૂજિતની અન્ય ફિલ્મો જેવી કે ‘ઓક્ટોબર’ અને ‘પીકુ’ની પણ યાદ અપાવશે. કારણ કે તે દર્શકોને વાર્તા સાથે વધુ સારી રીતે જોડે છે. આ ઉપરાંત, શૂજિતની ફિલ્મોમાં પારિવારિક લાગણીઓ સામાન્ય રીતે આકર્ષક હોય છે. ‘પીકુ’ની જેમ આ ફિલ્મમાં પણ બંગાળી એંગલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શૂજિત સરકારે છેલ્લે મલ્ટીપલ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સરદાર ઉધમ’નું દિગ્દર્શન કર્યું હતું, જે 2021માં રિલીઝ થઈ હતી. તેમાં વિકી કૌશલે એક ભારતીય ક્રાંતિકારીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિષેક બચ્ચન અત્યારે મલ્ટી સ્ટારર ‘હાઉસફુલ 5’ અને ‘બી હેપ્પી’ સહિત અન્ય ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
આઇ વોન્ટ ટુ ટોકના અન્ય કલાકારોમાં અહિલ્યા બામરૂ, જોની લીવર, પર્લ ડે, ક્રિસ્ટિન ગોડાર્ડ અને જયંત ક્રિપલાણીનો સમાવેશ થાય છે. આ ફિલ્મના નિર્માતાઃ રોલી લાહિરી અને શીલ કુમાર છે. જ્યારે પટકથા લેખક રીતેશ શાહ છે. વિદેશોમાં ડિસ્ટ્રીબ્યુશન રાઇઝિંગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY