FILE- Manish Sisodia

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી શરાબ નીતિ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનીષ સિસોદિયાને જામીન આપતા આશરે 17 મહિના પછી તેમનો જેલમાંથી છૂટકારો થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ હાલમાં જેલમાં છે.

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને રૂ.10 લાખ બોન્ડ પર જામીન આપ્યાં હતાં. આ ઉપરાંત પોતાનો પાસપોર્ટ જમા કરાવવાની તથા દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની શરત મૂકવામાં આવી હતી.

ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. આરોપીને જામીન આપવા એક શરત છે અને જેલમાં રાખવા એક અપવાદ છે. સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે મનીષ સિસોદિયાને દિલ્હીના મુખ્યપ્રધાન કાર્યાલયમાં પ્રવેશતા અટકાવે, જે કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી.

સર્વોચ્ચ અદાલતે જામીન આપતાં જણાવ્યું હતું કે ‘મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યક્તિ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી. આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને છેડછાડની કોઈ શક્યતા નથી. જો કે, સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા ડરાવવાના કિસ્સામાં તેમની પર શરતો લગાડવામાં આવી શકે છે.’

મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી. આ પછી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદિયાએ 2023ની 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું.

 

LEAVE A REPLY