બોલીવૂડમાં કેટલાક પરિવર્તન માટે આમિર ખાનનું નામ જાણીતું છે. તેણે છેલ્લા 37 વર્ષમાં બોલીવૂડમાં ઘણા ફેરફાર કરાવ્યા છે. આમિર ખાન 14 માર્ચના રોજ 60મા વર્ષમાં પ્રવેશ કરશે. ઉંમરના આ પડાવમાં પણ સતત નવા પ્રોજેક્ટ અને નવા વિચાર સાથે આગળ વધવા પ્રયત્નશીલ રહેતાં આમિર ખાને કહ્યું હતું કે, તેમણે છેલ્લા 20 વર્ષથી અભિનેતા તરીકે કોઈ ફી લીધી નથી. દર્શકોને ફિલ્મ પસંદ આવે તો જ તેને કમાણી થાય છે. ફિલ્મ ના ચાલે તો આમિરને પણ આવક થતી નથી.
આમિર ખાને એક્ટિંગ ઉપરાંત ડાયરેક્શન અને પ્રોડક્શનમાં પણ નસીબ અજમાવ્યું છે. પ્રોડ્યુસર તરીકે આમિરે પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ફિલ્મનો ખર્ચ ભરપાઈ કરવા માટે 20-30 કરોડ રૂપિયાની આવક તો થવી જ જોઈએ. એક્ટર્સને જંગી ફી આપવી પડે તો ફિલ્મનું બજેટ રૂ.200 કરોડે પહોંચી જાય છે અને આવી ફિલ્મ ફ્લોપ રહે તો ખર્ચ કાઢવાનું પણ અશક્ય બને છે.
આમિર ખાને ફિલ્મની ફી બાબતે પોતાના અભિગમમાં કોઈ નવતર પ્રયોગ કર્યો નથી. આમિરે કહ્યું હતું કે, એક્ટર્સ માટે ફી લેવાના બદલે નફામાંથી આવક લેવાનું આ મોડેલ ઘણું જૂનું છે. યુરોપના ઘણાં દેશોમાં હજુ તે પ્રચલિત છે. ફી બાબતે આ સૌથી વધારે જૂનો અભિગમ હોવાથી કામ કરવામાં પણ ઘણી સ્વતંત્રતા રહે છે અને નવતર પ્રયોગ પણ કરી શકાય છે. જેના કારણે ફિલ્મના વિષયમાં કે પછી અન્ય બાબતમાં સર્જનાત્મકતા લાવી શકાય છે. આમિર ખાને આવક માટે અપનાવેલા આ મોડેલના કારણે પ્રોડ્યુસર્સને બજેટની ચિંતા રહેતી નથી અને આમિર પોતે પણ રોલની પસંદગીમાં વધારે છૂટ લઈ શકે છે.
