બોલીવૂડમાં અનેક લોકો પર બાયોપિક બની છે. હવે તેમાં વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવિન બાબીનું નામ જોડાયું છે. કહેવાય છે કે, યુવા અભિનેત્રી તૃપ્તિ ડિમરી પરવીન બાબી ભૂમિકા ભજવશે. 70-80ના દસકાની ટોચની અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બની રહી હોવાનું લાંબા સમયથી ચર્ચાતું હતું. જોકે, હવે એવું નક્કી થયું છે કે આ બાયોપિક ફિલ્મ નહિ પરંતુ વેબ સીરિઝ સ્વરુપે જોવા મળશે. દિગ્દર્શક શોનાલી બોઝે આ બાયોપિક માટે તૈયારી શરુ કરી દીધી છે. તૃપ્તિ ડિમરીને પરવીનની ભૂમિકા માટે સાઈન કરી લેવામાં આવી છે અને તૃપ્તિએ શૂટિંગ માટે પોતાની ડેટ્સ પણ આપી દીધી છે.
પરવીન બાબી અંગત જીવનમાં મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે ગાઢ સંબંધો ધરાવતી હતી. તેમની ભૂમિકાઓ આ બાયોપિકમાં કેવી હશે અને તેને કોણ ભજવશે તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે મહેશ ભટ્ટ ખુદ પોતાની એકથી વધુ ફિલ્મોમાં પોતાની અને પરવીન બાબીની પ્રેમ કહાનીને જુદી જુદી રીતે દર્શાવી ચૂક્યા છે. પરવીન બાબીએ વર્ષો સુધી ગુમનામ રહ્યા પછી મુંબઈ પરત જઇને અમિતાભ બચ્ચન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બધી વાતો બાયોપિકમાં આવરી લેવાશે કે કેમ તે જોવાનું પણ રસપ્રદ હશે.