(ANI Photo)

ટાટા ગ્રૂપના મોભી રતન નવલ ટાટાના મુંબઈમાં 10 ઓક્ટોબરે સાંજે રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની અંતિમ વિદાયમાં ટોચના રાજકીય નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, જાણીતી હસ્તીઓ અને આમ આદમી સહિત હજારો લોકો જોડાયા હતાં. મુંબઈમાં સોમવારથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વય-સંબંધિત બિમારીને કારણે રતન ટાટાનું 76 વર્ષની જૈફ વયને નિધન થયું હતું. જેનાથી ઉદ્યોગ જગત અને દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આશ્રુભીની અંતિમ પહેલા મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) ખાતે તેમના પાર્થિવદેહ રાખવામાં આવ્યો હતો, જેથી લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. બપોર પછી અહીંથી તેમની અંતિમ યાત્રા આશરે 12 કિમી દૂર વરલીના સ્મશાનભૂમિ પહોંચી હતી.. રતન ટાટાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, સ્પીકર રાહુલ નારવેકર, કેન્દ્રીય અને રાજ્યના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ સહિત હજારો લોકો અને મહાનુભાવોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના સભ્યો, પિરામલ, ગોદરેજ, હિન્દુજા, મહિન્દ્રા, બજાજ, બિરલા જેવા અગ્રણી બિઝનેસ પરિવારોના પ્રતિનિધિઓ અથવા વડાઓએ દિવંગત ઉદ્યોગપતિને પુષ્પાંજલિ આપી હતી.

નરીમાન પોઈન્ટ પર બપોર પછી ત્રિરંગામાં લપેટાયેલી કાચની શબપેટીને ફુલોથી સજ્જ વાનમાં તેમનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા પ્રાર્થના હોલ અને સ્મશાનગૃહ તરફ આગળ વધી હતી. તેમને પરંપરાગત પારસી પ્રાર્થના ટોપી અને પારસી પોશાક પહેરાવામાં આવ્યો હતો. વરલી ખાતેના પ્રાર્થના હોલમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી ધાર્મિક વડાઓએ પ્રાર્થના કરી હતી. અંતિમ યાત્રાના માર્ગ પર બંને બાજુએ હજારો મુંબઈવાસીઓ ઊભા હતાં અને ભીની આંખો સાથે તેમને વિદાય આપી હતી. ઘણા લોકોના હાથમાં ‘ગુડબાય, ટાટા’ના પોસ્ટરો અને તેમની તસ્વીરો હતી. વરલી પહેલાના માર્ગમાં હજારો સ્થાનિકો આ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિની એક ઝલક મેળવવાની આશામાં બંને બાજુ ઊભા હતાં. કેટલાક ચારરસ્તા અને રસ્તાઓ પર ટાટાના ફોટા સાથેના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં, જે આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પ્રત્યે તેમની લાગણી અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હતાં.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય અડધો ડઝન રાજ્યોએ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો હતો અને સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતાં.રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, ગુરુવારે સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે અને દિવસ દરમિયાન કોઈ સત્તાવાર કાર્યક્રમ રહેશે નહીં. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ રતન ટાટાની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું.

 

LEAVE A REPLY