ન્યૂયોર્કમાં 18 ઓગસ્ટે ઈન્ડિયા ડે પરેડ દરમિયાન રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરાશે. આ ઐતિહાસિક પરેડમાં ન્યૂયોર્ક અને તેની આસપાસના હજારો ઇન્ડિયન અમેરિકનો સામેલ થતાં હોય છે.
વિશ્વ હિંદુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)ના જનરલ સેક્રેટરી અમિતાભ મિત્તલના જણાવ્યા અનુસાર મંદિરની પ્રતિકૃતિ 18 ફૂટ લાંબી, નવ ફૂટ પહોળી અને આઠ ફૂટ ઊંચી હશે. આ પ્રથમ વખત હશે, જ્યારે રામ મંદિરની પ્રતિકૃતિ અમેરિકામાં પ્રદર્શિત કરાશે.
ન્યૂયોર્કમાં વાર્ષિક ઈન્ડિયા ડે પરેડ ભારતની બહાર ભારતના સ્વતંત્રતા દિવસની સૌથી મોટી ઉજવણી છે. મિડટાઉન ન્યૂ યોર્કમાં ઇસ્ટ 38મી સ્ટ્રીટથી ઇસ્ટ 27મી સ્ટ્રીટ ચાલતી પરેડને સામાન્ય રીતે 150,000થી વધુ લોકો જુએ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન (એફઆઈએ) દ્વારા આયોજિત આ પરેડમાં વિવિધ ભારતીય અમેરિકન સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા ફ્લોટ્સ અને ન્યૂયોર્કની શેરીઓમાં ચાલતી સંસ્કૃતિની વિવિધતા જોવા મળશે.VHPA-Aએ તાજેતરમાં રામ મંદિર રથયાત્રાનું આયોજન કર્યું હતું.