July 5, 2024. REUTERS/Claudia Greco

યુકેની ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય મૂળના નેતાઓ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાઈ આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજ્ય થયો હોવા થતાં પાર્ટીના ભારતીય મૂળના પણ કેટલાંક નેતાઓ ચૂંટાઈ આવ્યાં હતાં. કુલ 26 ભારતીય મૂળના નેતાઓને ચૂંટણીમાં સફળતા મળી છે.

ટોરીમાંથી આઉટગોઇંગ વડા પ્રધાન ઋષિ સુનક યોર્કશાયરમાં રિચમન્ડ અને નોર્થલેર્ટન બેઠક પર ચૂંટાઈ આવ્યાં હતાં. પોતાના રાજકીય ભાવિ અંગેની અટકળો પર વિરામ મૂકતા સુનકે જણાવ્યું હતું કે “આ મુશ્કેલ રાત્રે, હું સતત સમર્થન માટે રિચમન્ડ અને નોર્થલેર્ટન મતવિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. એક દાયકા પહેલા હું અહીં આવ્યો ત્યારથી તમે મને અને મારા પરિવારને એક પરિવાર જેવો પ્રેમ આપ્યો છે. હું આવનારા વર્ષો સુધી તમારી સેવા કરવા આતુર છું.”

અન્ય અગ્રણી બ્રિટિશ ઇન્ડિયન ટોરી નેતાઓ કે જેઓ તેમની બેઠકો જાળવી સફળ થયા છે, તેમાં ભૂતપૂર્વ હોમ સેક્રેટરીઝ સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલ તથા સુનકના ગોવા મૂળના કેબિનેટ સાથી ક્લેર કોટિન્હોનો પણ સમાવેશ થાય છે.

ગગન મોહિન્દ્રાએ કન્ઝર્વેટિવ્સ પાર્ટી તરફથી તેમની સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયર સીટ જાળવી રાખી હતી, જ્યારે શિવાની રાજાએ પ્રતિષ્ઠિત બનેલી લેસ્ટર ઈસ્ટ બેઠક પર ફરી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર તેમનો મુકાબલો ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે હતો. બંને ઉમેદવારોએ કાઉન્સિલના બજેટમાં કાપને કારણે શહેરની પ્રખ્યાત દિવાળી લાઇટની ઉજવણી બંધ કરવાના નિર્ણયની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો. આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડતા ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝે પણ આ મુદ્દે પ્રચાર કર્યો હતો.

ટોરીમાંથી ચૂંટણી હાર્યા હોય તેવા બ્રિટિશ ઇન્ડિયનમાં શૈલેષ વારા અને અમીત જોગિયાનો સમાવેશ થાય છે. શૈલેષ વારા નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર સીટ પર લેબર ઉમેદવાર સામે પાતળી સરસાઈથી હાર્યા હતાં. ફર્સ્ટ ટાઈમર અમીત જોગિયા હેન્ડન સીટ પણ લેબર ઉમેદવાર સામે હાર્યા હતાં.

લેબર પાર્ટીમાંથી ભારતીય ડાયસ્પોરા ઉમેદવારોની મહત્તમ સંખ્યા જીતી હતી. પાર્ટીના દિગ્ગજ નેતા સીમા મલ્હોત્રાએ ફેલ્થમ અને હેસ્ટન મતવિસ્તારમાં આરામદાયક માર્જિન સાથે જીત મેળવી હતી. ગોવા મૂળના વેલેરી વાઝ (કીથ વાઝના બહેન) વોલ્સલ એન્ડ બ્લૉક્સવિચમાં વિજયી બન્યાં હતા. લિસા નંદીએ વિગનમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી.
બ્રિટિશ શીખ સાંસદ પ્રીત કૌર ગિલે બર્મિંગહામ એજબેસ્ટન બેઠક પર ટોરી ફર્સ્ટ ટાઈમર અશ્વિર સાંઘાને હરાવ્યાં હતાં. તનમનજીત સિંહ ઢેસીએ સ્લો બેઠક જીતી હતી. નવેન્દુ મિશ્રા (સ્ટોકપોર્ટ) અને નાદિયા વિટ્ટોમ (નોટિંગહામ ઈસ્ટ) અન્ય લેબર સાંસદો છે જેઓ ભારે બહુમતીથી જીત્યાં હતાં.

લેબર પાર્ટીમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા બ્રિટિશ ઇન્ડિયનોનો મોટી સફળતા મળી હતી. આવા ઉમેદવારોમાંથી જસ અઠવાલ (ઇલફોર્ડ સાઉથ), બેગી શંકર (ડર્બી સાઉથ), સતવીર કૌર (સાઉધમ્પ્ટન ટેસ્ટ), હરપ્રીત ઉપ્પલ (હડર્સફિલ્ડ), વારિન્દર જસ (વોલ્વરહેમ્પટન વેસ્ટ), ગુરિન્દર જોસન (સ્મેથવિક), કનિષ્ક નારાયણ (વેલ ઓફ ગ્લેમોર્ગન), સોનિયા કુમાર (ડડલી), સુરીના બ્રેકનબ્રિજ (વોલ્વરહેમ્પટન નોર્થ ઈસ્ટ), કિરીથ એન્ટવિસલ (બોલ્ટન નોર્થ ઈસ્ટ), જીવુન સાંધર (લોફબોરો) અને સોજન જોસેફ (એશફોર્ડ)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY