મણિપુરમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરીને રોકેટ, ગ્રેનેડ અને ઇમ્પ્રુવાઇઝ્ડ મોર્ટાર સહિત અનેક હથિયારો જપ્ત કર્યા હતાં અને એક પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના આઠ સભ્યોની ધરપકડ કરી હતી. પહાડી અને ખીણ જિલ્લાના સંવેદનશીલ એરિયામાં આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને આ મોટી સફળતા મળી હતી.
મણિપુર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ શસ્ત્રોમાં આશરે 8 ફૂટના બે રોકેટ અને 7 ફૂટના બે રોકેટનો સમાવેશ થાય છે. વધુમાં સત્તાવાળાઓએ બે મોટા કંટ્રી મેઇડ મોર્ટાર, એક મીડિયમ સાઇઝ મોર્ટાર, ત્રણ ઇમ્પ્રુવાઇઝ્ડ મોર્ટાર બોમ્બ, એક રેડિયો સેટ અને બે કંટ્રી મેઇલ ગ્રેનેડ જપ્ત કર્યા હતાં. આ હથિયારો ચુરાચંદપુર જિલ્લાના પંજંગ ગામમાંથી જપ્ત કરાયા હતા.
દરમિયાન મણિપુર પોલીસે પ્રતિબંધિત સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ મણિપુર (પામ્બેઈ) (UNLF-P)ના આઠ સભ્યોની ધરપકડ કરી હતી અને થૌબલ જિલ્લામાં તેમના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. થૌબલ જિલ્લામાં લોકોને ધમકાવવા અને જમીન સીમાંકન પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ તેમની સોમવારે ધરપકડ કરાઈ હતી.
મણિપુર પોલીસે જણાવ્યું હતું કે 28 ઓક્ટોબરે પોલીસે UNLF-Pના આઠ સભ્યોની ધરપકડ કરી હતી જેઓ અત્યાધુનિક હથિયારો સાથે લોકોને ધમકી આપતા હતા અને થૌબલ જિલ્લામાં કાયદાકીય જમીન સીમાંકન પ્રક્રિયાને અટકાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતાં.
પોલીસે તેમની પાસેથી ત્રણ એકે-47 રાઇફલ, બે એકે-56 રાઇફલ, એક એમ-16 રાઇફલ, એક 9 એમએમ પિસ્તોલ, એકે-47નો 147 રાઉન્ડ દારુગોળો, એમ-16ના દારૂગોળાના 20 રાઉન્ડ, 9 એમએમ જીવંત દારૂગોળાના 25 રાઉન્ડ, 16 મોબાઈલ હેન્ડસેટ અને એક કાર જપ્ત કરી હતી. 28 ઓક્ટોબરે પોલીસે ઇમ્ફાલ વેસ્ટમાંથી મોઇરાંગથેમ મનિતોન સિંઘ નામના કેડરની ધરપકડ કરી હતી. તે ઇમ્ફાલ એરિયાની દુકાનોમાંથી ખંડણી વસૂલતો હોવાનું માનવામાં આવે છે.