અમદાવાદમાં બુધવારે પ્રતિષ્ઠિત GLS કોલેજના પ્રોફેસરે પાલડીના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા મકાનમાં માતાની કરપીણ હત્યા કર્યા પછી પોતે પણ આપઘાત કર્યો હતો. પ્રોફેસર બીમાર અને અપરિણીત હોવાથી ડિપ્રેશનમાં રહેતા હોવાનું માનવામાં આવે છે. કથિત માનસિક ડિપ્રેશનમાં પુત્રે માતાનું ગળું કાપી હત્યા કરી પોતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ ઘટનાનો કેસ નોંધીને તપાસ ચાલુ કરી હતી.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા 42 વર્ષીય મૈત્રેયભાઇ ભગત લૉ ગાર્ડન ખાતે આવેલી GLS કોલેજમાં ઇકોનોમિક વિષયના પ્રોફેસર હતાં. આ ફ્લેટમાં મૈત્રેય ભગત પોતાની માતા દત્તાબેન સાથે રહેતા હતાં. દત્તાબેન રોજ સવારે વહેલા ઉઠીને ઘરની બહાર પડેલું દૂધ લઇને રૂટિન કામમાં લાગી જતા હતા, પરંતુ બુધવારે સવારે તેમના ઘરની બહાર પડેલા ન્યુઝ પેપર અને દૂધને જોતા પડોશીને કોઇ ઘટના બની હોવાની શંકા ગઈ હતી. ઘરનો દરવાજો પાડોશીઓએ ખખડાવતા ઘર બંધ હતું. પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને દત્તાબેનને બોલાવતા કોઇ બહાર આવ્યું ન હતું. ઘરમાં તપાસ કરતા ડ્રોઈંગ રૂમમાં મૈત્રેયભાઇનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જ્યારે રૂમમાં તપાસ કરતા દત્તાબેન ભગત બેડ પર જ લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.