Kommersant Photo/Anatoliy Zhdanov via REUTERS

ફેબ્રુઆરી 2022માં ચાલુ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ગયા સપ્તાહે અણધાર્યો વળાંક આવ્યો હતો. યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેનના વિસ્તારોમાં ઘુસીને રશિયા હુમલો કરતું હતું, પરંતુ હવે યુક્રેનની આર્મી રશિયાના કુર્સ્ક સહિતના વિસ્તારોમાં ઘુસીને હુમલા ચાલુ કર્યા હતા.યુક્રેનના આ અસાધારણ લશ્કરી આક્રમણથી રશિયા ઉંધતું ઝડપાયું છે અને રશિયન લશ્કરી વડાઓ શરમજનક સ્થિતિમાં મુકાયા છે.

રશિયામાં યુક્રેનનું ઘૂસણખોરી રવિવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી હતી. રશિયાની ધરતી પર યુદ્ધને લઇ જવા માટે યુક્રેનની મિલિટરીના આક્રમણનો રવિવારે પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીએ તેમના રાત્રિ સંબોધનમાં આડકતરો સ્વીકારી કરી આ મુદ્દે તેમનું મૌન તોડ્યું હતું.

અમેરિકા અને પશ્ચિમ દેશોની સહાય સાથે યુદ્ધ ચાલુ થયા પછી યુક્રેનનો આ પ્રકારનો સૌથી મોટો હુમલો હતો. હવે યુક્રેનના સૈનિકોને ખદેડી મૂકવા રશિયા મિલિટરી કાર્યવાહી ચાલુ કરી હતી. રશિયાના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોનું સ્થળાંતર રવિવારે ચાલુ રહ્યું હતું.

મિલિટરીના આ આક્રમણનો હેતુ અસ્પષ્ટ છે, કારણ કે લશ્કરી અધિકારીઓએ તેને સફળ બનાવવા ગુપ્તતાની નીતિ અપનાવી છે. લશ્કરી નિષ્ણાતોએ કહ્યું હતું કે યુક્રેનના પૂર્વીય ડોનેત્સ્ક પ્રદેશમાં ભીષણ લડાઈ માટે રશિયન આર્મીને મળતો સપ્લાય બંધ કરવાનો તેનો હેતુ છે. આનાથી રશિયા સાથેની ભવિષ્યની કોઈપણ વાટાઘાટોમાં કિવનો હાથ મજબૂત બનાવવાનો પણ ઉદ્દેશ છે.

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ રવિવારે જણાવ્યું હતું કે રશિયામાં યુક્રેનના તાજેતરના હુમલા લશ્કરીથી દ્રષ્ટીએ અર્થ વગરના છે. કિવ રશિયાની શાંતિપૂર્ણ વસ્તીને ડરાવવાના એકમાત્ર હેતુ સાથે તેની આતંકવાદી પ્રવૃત્તિ ચાલુ રાખી રહ્યું છે.

યુક્રેનના એરફોર્સે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેન પર ચાર બેલિસ્ટિક મિસાઇલો અને 57 શાહીદ ડ્રોનથી હુમલો કર્યો હતો. એર ડિફેન્સે 53 ડ્રોનને તોડી પાડ્યા હતાં. આ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત બેના મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં.

રશિયામાં કુર્સ્કના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું હતું કે રશિયાની એર ડિફેન્સે યુક્રેનની એક મિસાઇલને તોડી પાડી હતી, જેમાં 15 ઘાયલ થયા હતા. યુક્રેનિયન તોડફોડ અને જાસૂસી જૂથ ગઈકાલે  બેલોવ્સ્કી જિલ્લામાં પ્રવેશ્યું હતું, પરંતુ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે કુર્સ્ક, વોરોનેઝ, બેલ્ગોરોડ, બ્રાયન્સ્ક અને ઓરીઓલ પ્રદેશોમાં 35 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં.

 

 

LEAVE A REPLY